________________
સૂઅરની ઓળખ
-: ઢાળ-૯ :
ભાવાર્થ:
વીરસેન તાપસ, કુમારને કહે છે.
હે પરદેશી ! આ ભરતક્ષેત્રમાં રાજપુરી નામની સુંદર સોહામણી નગરી રહેલી છે. તે નગરીનો રાજા સૂર્યકાન્ત નામે રાજ્ય કરે છે. રાજા કેવો? સૂર્ય જેવો તેજસ્વી, રૂપવાન, વૈર્યવાન, બળવાન હતો. પુણ્યશાળી રાજાનો ભંડાર ધનથી છલકાતો હતો. તે કારણે આ રાજા ઈન્દ્ર સરખો શોભતો હતો.
કર્તા કહે છે કે હે વિવેકીજનો ! આ રસપ્રદ કથા તમે સૌ સાંભળો. ક્ષત્રિયવંશી સૂર્યકાન્ત રાજાને વિરસેન નામનો પ્રધાન હતો. તે સર્વમાં શિરોમણી સરખો હતો. રાજાને પોતાના પ્રધાન ઉપર અતિશય પ્રીતિ હતી, ઘણો જ સ્નેહ હતો. જેમ કે જ્ઞાનીને જ્ઞાન પ્રત્યે સ્નેહ હોય, પ્રીતિ હોય તેમ. મંત્રીશ્વર વીરસેન પણ રાજાના સ્નેહને ઝીલતો. રાજાને સંપૂર્ણપણે વફાદાર હતો. તે કારણે ઉભયની પ્રીતિ અજોડ અને અખંડ હતી. બંનેને ધર્મ પ્રત્યે પણ ઘણો અનુરાગ હતો.
એકદા વીરસેન મંત્રીને યાત્રા કરવાની ભાવના થઈ. જુદાં જુદાં તીર્થોની ભાવના ભાવતાં, જવાની ઉત્કંઠા થઈ. પોતાની ભાવના રાજા આગળ વ્યક્ત કરતાં જવાની આજ્ઞા માંગી. રાજાએ તરત જ મિત્રવત્ મંત્રીને આજ્ઞા આપી. આજ્ઞા માથે ચડાવી, રાજાને પ્રણામ કરી, મંત્રી વીરસેન યાત્રા કરવા નીકળ્યો. પ્રથમ ગિરનાર તીર્થે પહોંચ્યો. ભાવપૂર્વક ગિરનારના વાસી શ્રીનેમનાથના દર્શન પૂજન વંદન કર્યા. ઘણું દ્રવ્ય વાપર્યું. ત્યારપછી ત્યાંથી બીજા તીર્થોની યાત્રા કરી. તે તે તીર્થે દ્રવ્યને પણ સાથે વાપરતાં વીરસેને યાત્રા પૂરી કરી. પાછા ફરતાં વિજયપુર નામના નગરની બહાર ઉદ્યાનમાં આવી ઊતર્યા.
વિજયપુર નગરના રાજા બળરાજાને આ સમાચાર મળ્યાં. પોતાના પ્રધાન જયમતિને પણ ખબર પડી. પ્રધાન પ્રધાનને મળવા ગયા. ઘણા આગ્રહપૂર્વક બહુમાન સાથે પોતાની સાથે રાખ્યા. જમવા પણ સાથે બેઠા. વીરસેનને તો જવાની ઊતાવળ હતી. પણ પ્રધાન જયમતિની અતિશય મહેમાનગીરી ઠંડી ન શકયો. થોડા દિન રોકાઈ જવા અતિશય આગ્રહ કરતાં વિરસેન જયમતિના આવાસે પંદર દિવસ રોકાઈ ગયા.
હવે બંને વાત વિનોદ કરતાં, અલક મલકની વાતો કરતાં ઘણા આનંદ પામતા હતા. વળી વીરસેન તો યાત્રા કરીને આવેલ તેથી તીર્થયાત્રાની વાતો પણ બંને વચ્ચે ઘણી જ થતી હતી. બંને સાથે બેસતાં, ઊઠતાં, વાત વિનોદ કરતાં ઉભય પ્રીતિની ગાંઠ બંધાઈ. સમય જતાં વાર લાગે ? જોત જોતામાં પંદર દિન પૂરા થવા આવ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४०४