________________
હે સ્વામી ! કહીને ગળે વળગતી હતી.
સ્ત્રીચરિત્રમાં બ્રહ્મા પણ મુંઝાયા છે, તો બીજાની વાત શી કરવી ? રૂપાળી-ગોવાળની મદભર જવાની છે. સુખસાહ્યબીનો પાર નથી. એકાંત પણ મળ્યો છે. અતિશય વિષયાસક્ત એવા બંને જણા મનગમતા ભોગો ભોગવતાં રાત દિવસ પસાર કરે છે.
પોતાની પુત્રીનાં અપલક્ષણોને જાણતો પિતા પુત્રીને કંઈ કહી જ શકતો નથી. અતિશય લાડમાં ઊછરેલી દીકરી સ્વતંત્ર થતાં સ્વછંદી બની છે. હવે તો દીકરી પૂરેપૂરી સાજી થઈ છે. તેથી જયતિ રાજપુર નગરે જમાઈને કહેવરાવે છે કે આપ પધારો. મારી દીકરીને હવે સારું છે. તેની માંદગી ચાલી ગઈ છે. આ પ્રમાણે સમાચાર મોકલી જમાઈરાજને તે વેળાએ તેડાવ્યા.
સ્ત્રી મોહાંધ વીરસેન, સસરાના કહેણની રાહ જોતો જ બેઠો હતો. સંદેશો આવતાં તરત જ તૈયાર થઈને વીરસેન વિજયપુર તરફ જવા રવાના થયો. પરિવાર સહિત વીરસેનનું સસરાએ સામૈયું કર્યું. આદર સહિત તેડી લાવ્યા. જમાઈ પણ સસરાને પગે લાગ્યો. તે ઘણા ઠાઠપૂર્વક સામૈયા સાથે નગરમાં થઈને હવેલીએ આવ્યો. હવેલીએ રહેલી રૂપાળી પણ સ્વામીને સામે જઈને દરવાજા પાસે જ પતિના ચરણે પડીને કહેવા લાગી - હે સ્વામીનાથ ! આપ કુશળ છો ને ? આપના માતાપિતા આદિ સૌ કુશળ છે ને ! હે નાથ ! તમારા પસાયથી મને હવે સારું છે. મારી માંદગી ચાલી ગઈ. એ સહુ તમારા પસાયથી જ થયું છે. આ પ્રમાણે કુશળતા બાહ્યથકી પૂછી લીધી. બાકી હૈયામાં તો સમજવા લાગી કે આ પિશાચ કયાંથી આવ્યો ? અમારા રંગમાં ભંગ પડ્યો. મોં તો કાળુંમેશ થઈ ગયું. મનમાં તો ગોવાળને સોના સરખો માને છે. પરણેતર પતિને કાચનો ટુકડો માને છે પણ હવે કરે શું ? બાહ્યથી પ્રેમ દેખાડતી તેના સંતોષ માટે કામક્રીડા પણ કરતી હતી. તેનું મન તો ગોવાળમાં લાગેલું હતું.
પતિના મનને આનંદમાં રાખવા માટે વિવિધ પ્રકારના રંગે રમતી હતી. સ્વામીને રીઝવતી હતી. તેથી કોઈને શંકા પણ ન જાય. દુનિયા તો જાણી ગઈ હતી. છતાં પતિને ખબર ન પડે તે માટે પતિરંજન માટે બધું જ કરતી હતી.
રૂપાળીને તેડવા પતિ આવ્યો. જયમતિ પ્રધાને દીકરીને વિદાય આપવા માટે શુભદિન જોવડાવ્યો. તે દિન નજીક આવતાં જ સ્ત્રીચરિત્ર શરૂ કર્યાં. રૂપાળી હવે ઘેલી થઈ. જાણ્યું કે હવે ગોવાળને છોડીને જવું જ પડશે. ગોવાળ વિના જીવાશે નહિ. તો છોડીને શેં જવાય ? ચરિત્ર વિવિધ પ્રકારના કરવા લાગી. ઘેલી-ગાંડી થઈ ચૂકી. હાથમાં સાંબેલુ લઈને શેરીમાં અને રાજમાર્ગો ઉપર ફરવા લાગી. શરીરે રાખ લગાડી છે. ઘડીકમાં હાસ્ય કરે તો ઘડીક રુદન કરતી. વળી કયારેક માથું પણ ધૂણાવતી હતી. વળી ડોળા કાઢીને જતાં આવતાં લોકોને ડરાવતી હતી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૦૦