________________
લોભી શંગદત્ત
-ઢાળ-૫ -
ભાવાર્થ:
ચંદ્રકુમાર અને મલયગિરિનો રક્ષણ કરનાર દેવ બંને વાતોએ ચડ્યા છે. ભદ્રદત્ત તાપસની વાતમાં લોભી શૃંગદત્તની કથા દેવ કુમારને કહે છે.
હે કુમાર ! રોહણપુર નામે નગર છે. તેમાં શૃંગદત્ત નામે શેઠ વસતો હતો. બત્રીસ કરોડ સુવર્ણના દ્રવ્યની માલિકી ધરાવતો હતો. આટલી બધી ઋધ્ધિ સિધ્ધિ હોવા છતાં તેના આત્માને જરાયે સંતોષ નહોતો. છતાં પણ આ શેઠ પૈસા માટે પરાઈ વેઠ ઘણી કરતો હતો. જ્યાં પૈસા મળે ત્યાં દોડતો. બાકી કયારેય કોઈ માટે મફતમાં ઘસાતો નહોતો.
કંજુસ ઈંગદત્તશેઠને ચાર દીકરા હતા. ચારેય પુત્રોના યોગ્ય વય થતાં લગ્ન થઈ ગયા. કુલવાન ઘરની ચારેય વહુઓ ઘરમાં આવી ગઈ. કંજુસ મારવાડી જેવો આ શેઠ અતિકૃપણાતાએ કરી રાતદિન ઊંઘતો પણ નહોતો. વેપાર ધંધાર્થે ૨૪ કલાક તેમાં જ ગુમાવતો હતો અને ધન ભેગું કરતો હતો. લોભને થોભ ન હોય. કયાં ને કયારેય ધન મેળવવામાં અટકતો નહોતો.
લોભી વાણિયાને ધર્મ રુચતો નહોતો. ધનના અર્થી ધર્મથી વેગળા રહેતા હોય છે. ધર્મ જેવું જીવનમાં કયારેય દેખાય નહિ. દાનધર્મથી ઘણો વેગળો રહેતો. રખેને ઘરમાં જૈન સાધુ આવી જાય તો! આંગણે ગરીબ ભિખારી માંગવા આવે તો. સુસાધુને તો કયારેય બોલાવ્યા નથી. તો આદરમાનની વાત કયાં? રખેને ધન વપરાઈ જાય તો. મુનિને દાન નહિ તો તેના આંગણે સંન્યાસી, જોગી ગરીબ ભિખારી તો શું પામે ? કયારેય આવી ચડ્યા તો શેઠ દરવાજા બંધ કરે. ચપટી લોટ પણ ન આપે.
ઘરમાં પુત્રવધૂઓ પણ અંગે સારાં વસ્ત્રો પહેરતી નહોતી. શેઠ વસ્ત્રો પાછળ એક દામ પણ ખરચવા ન દેતો. જીર્ણ શીર્ણ જાડાં કપડાં જ પહેરવા આપતો. ચારેય દીકરાનું શેઠ આગળ કંઈ જ ન ચાલે. ખાવામાં પણ લૂખુ સૂકુ ધાન. તેમાંયે પેટભરીને ખાવા પણ ન દે. સગાં વહાલાં કે સંબંધીઓ કયારેય પણ આ શેઠના આંગણે ભૂલા પડતાં નહોતાં.
શેરીમાં શ્રાવણ-શ્રાધ્ધનું બ્રાહ્મણો માંગવા આવે તો ટુકડો પણ કપડાનો કે ધાનનો દાણો પણ આપતો નહોતો. શેઠ ઘરમાં કોઈને આવવા જ ન દે. તો આપવાની વાત કયાં? હવેલીના દરવાજા બંધ જ રાખતો. દરવાજા અટકાવી ઘરમાં બેસતો. હાથમાં લાકડી લઈને ફરતો, જેથી ગાય-બકરાં ઘરમાં ન આવી જાય.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૮૩