________________
હારેલો દેવ કુમારના શરણે આવ્યો. અદ્ભુત પરાક્રમ જોઈને દેવ ઘણો જ સંતુષ્ટ થયો. કુમારને કહે છે.
દેવ - હે સજ્જન ! હે મહાપરાક્રમી ! તારે માથે કોનું બળ છે કે જે પીઠબળે તું મારી સામે ભીષણ રણસંગ્રામ ખેલ્યો ! જોતજોતામાં તે મને હરાવ્યો !
કુમાર - હે દેવ! દેવ-ગુરુ તથા સમક્તિ યુક્ત ધર્મનું વિશાળ પીઠબળ મને મળ્યું છે. વળી પંચપરમેષ્ઠિ રૂપ મહામંત્રથી દેવ દેવેન્દ્ર આદિ બળવાન જે કોઈ હોય તેને હરાવું છું.
કુમારની પાસેથી ધર્મની વાત સાંભળી દેવ પ્રતિબોધ પામ્યો. મિથ્યાત્વ છંડી સમક્તિ યુક્ત ધર્મને અંગીકાર કર્યો. કુમારને શરણે રહ્યો. વળી કહે છે કે હે કુમાર ! હું પૂર્વભવે શ્રાવક હતો. અરિહંત પરમાત્માનો ઉપાસક હતો. પણ એકવાર મિથ્યાત્વની વાત સાંભળી. તેમાં શ્રધ્ધા થતાં હું શ્રાવકધર્મથી ચલાયમાન થયો. ધર્મનો વિરોધક બન્યો. પ્રાયશ્ચિત વિના વિરાધભાવમાં મૃત્યુ પામી હું દેવ પણે અવતર્યો. પણ.. પણ.. હે ઉપકારી ! તુમ થકી વળી ધર્મનો બોધ થયો. મારી આંખ ઉઘાડી. હે નરોત્તમ ! તમે નાના છતાં મોટા અને મહાન છો. આપ તો મારા મિત્ર છો, બંધુ છો, વળી સાચા સદગુરુ છો. વળી આગળ વધીને તમને વધારે શું કહું? તમારા થકી મેં સાચી વાત ગ્રહણ કરી. આજે હું શુધ્ધ સમક્તિ પામ્યો. રે બાળકુમાર ! મારા ઉપકારી છો. તો હું તમને વચન આપું છું. આપ મારી પાસે કંઈક માંગો. હું દેવશક્તિથી તમને જરૂર આપીશ.
દેવની વાત સાંભળી કુમાર બોલ્યો - હે દેવકુમાર ! જો તમે મને વરદાન આપવા માંગતા હો તો મને બીજું કંઈ જ ન જોઈએ. મારી સહાયથી આ સાધક જે સાધના કરી રહ્યો છે તે સાધના થકી જે ઔષધિની જરૂર છે તે તમે આપો. મેં જે વચન આપ્યું છે કે તમે સાધના કરો. હું ઉત્તરસાધક છું તમે જો તે આપો તો મારી ટેક રહે.
દેવ કહે - હે મનમોહન સાહિબા ! આપ મારી વાત સાંભળો. તમને આપેલ વચન થકી હું આપવા તૈયાર છું. પણ આ સાધકયોગી મહાન ગુરુદ્રોહી છે. વળી મહાન કપટી ધૂતારો છે સાથે હરામખોર અને લંપટ પણ છે. તદ્દન જુકો છે. આવા નીચ અને અધમની સોબત ડાહ્યા અને પંડિતજન કયારેય કરતા નથી. બહારથી સાધુ દેખાતો આ યોગી ભીતરમાં ભયંકર ભૂંડો છે. આપ જેવા સજજને વળી તેની સાથે સોબત શી? તેની સાથે પ્રીત પણ શી? બાલ્યકાળથી ગુરુએ પુત્રવતું જતન કરી ઉછેર્યો. પણ પણ “દૂધ પીવરાવી સાપ ઉછેર્યો જેવી વાત થઈ છે. મોટો થતાં ઉધ્ધત વળી અવિવેકી અવિનયી નીવડ્યો. આ તાપસે ગુરુના હૈયે બળતરા ઊભી કરી છે. ગુરુની ગેરહાજરીમાં ગુરુના પુસ્તકોમાંથી આ “ઔષધિકલ્પ' પુસ્તકનું અપહરણ કરી છાનું છાનું પુસ્તકમાંથી બધું ઊતારી (લખી) લીધું છે. મહાનગ્રંથમાંથી આ રીતે ઔષધિની જાણકારીની ચોરી કરી છે. આ વાતની ગુરુને પણ ગંધ આવી ગઈ. પણ સમજુ ગુરુએ ચેલાને કંઈ ન કહ્યું. વળી મંત્ર આદિ શીખવા માટે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)