________________
જેમ કે નાના બાળકના હાથમાં રણકાર-અવાજ કરતી ઘંટડી અચાનક જમીન ઉપર પડી જાય, ત્યારે તે ઘંટડીના નાદથી ભરનિદ્રામાં ઘોરેલી ડોકરી (ડોશીમા) જાગતાં ઘરમાં કોલાહલ કરી મૂકે છે, તે રીતે અજ્ઞશ્રોતાઓ તત્ત્વને નહિ જાણતાં ડોશીમા જેવી પરિસ્થિતી સર્જાય. વળી ઊંઘતો માણસ પણ સાચી વાત સમજતો નથી. તત્ત્વની વાતના રસના ઘૂંટ પી શકતો નથી. જેમ કે ઊંટની આગળ સાકર મૂકો, મીઠી દ્રાક્ષ મૂકો તો તેમાં મોં ન નાખતાં, કાંટાવાળા વૃક્ષની ડાળીઓમાં જ મોં નાંખે છે. બાવળીયે જ મન લાગે છે.
ખરેખર ! પંડિતના વચનો સાકર સરખા જ છે. પ્રમાદનો ત્યાગ કરી સ્વસ્થ થઈ, તમારા નયન તથા મુખકમળને વક્તા સામે રાખી એકાગ્રપણે, ભક્તિસભર નિદ્રાનો ત્યાગ કરી, હે શ્રોતાજનો ! હવે આ કથાને આગળ સાંભળો.
વડલાના વૃક્ષતળે ચારમુનિઓ પાસે વિનયયુક્ત બેઠેલો ચંદ્રકુમાર મુનિ ભગવંતોની વાતો સાંભળી, આશ્ચર્ય પામ્યો.
ત્યારપછી કુમારે ચાર મહાત્માઓને નમસ્કાર કર્યા. રાત વધતી જતી હતી. નજીકમાં સૂવા માટે સ્થાન જોઈ કુમાર જઈને સૂઈ ગયો. પરમાત્માઓનું સ્મરણ કરતો નિદ્રા દેવીને ખોળે પોઢી ગયો.
જોતજોતામાં સવાર થઈ. પ્રભાતના અજવાળાં થતાં કુમાર ઊઠયો. મુનિભગવંતો વિહાર કરી ગયા. જ્યારે કુમાર વિમાન વિધુર્વી ગગનમાર્ગે આગળ ચાલ્યો. વિમાનમાંથી દેખાતી કુદરતી લીલાને જોતો, જંગલ ઉપરથી જઈ રહેલા કુમારની નજરે જિનમંદિર પડ્યું. તરત જ વિમાનને સડસડાટ નીચે ઊતારી જિનઘરનાં સોપાન ચડવા લાગ્યો. મંદિરમાં બિરાજમાન તેરમા શ્રી વિમલનાથ પરમાત્માની મનોહર મૂર્તિ જોતાં જ કુમાર ઘણો જ આનંદ પામ્યો. અત્યંત ભાવોલ્લાસપૂર્વક પરમાત્માને નમસ્કાર કર્યા. વિધિયુક્ત સ્તુતિ-ભક્તિ કરીને કુમાર જિનમંદિરની બહાર આવ્યો. જિનમંદિરના બહાર પ્રાંગણમાં બાજુમાં વિશ્રાંતગૃહ હતું. તેમાં એક મુનિ મહાત્મા નજરે પડ્યા. તરત જ મુનિભગવંત પાસે પહોંચી ગયો.
વિધિવત્ વંદન કરી બેઠો. મુનિભગવંત કાઉસ્સગ્ગમાં હતા. દેવ ગુરુનો અનન્ય ઉપાસક કુમાર મુનિને જોતાં ઘણો આનંદ પામ્યો. આજ અવસરે જયપુર નગરનો જયરથ નામનો રાજા પણ એકલો ત્યાં આવી ચડ્યો. મુનિભગવંતને જોતાં જ આનંદ પામ્યો. તે પણ વંદન કરી ત્યાં જ બેઠો. બંને પરદેશી મુસાફરો બેઠા છે. મુનિભગવંતનો કાઉસ્સગ્ગ પૂરો થતાં પાળીને જયરથ રાજાને ઉદ્દેશીને બોલ્યા.
હે જયરથ રાજા ! ઘોડાના અપહરણથી અહીં આવી ચડ્યો. કેમ ?
મુનિનું વચન સાંભળી બંને જણા આશ્ચર્ય પામ્યા. જયરથ રાજા પ્રણામ કરી, મુનિભગવંતને પૂછે છે...
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૪૩