________________
વિવિધ મિઠાઈઓ આપો. તો અંદરથી મોટો અવાજ આવ્યો “એવમસ્તુ' તરતજ મીઠાઈના થાળ બહાર આવ્યા. વળી બીજી પણ રસવતી માંગી.
જે જે વસ્તુ પીરસવાની હતી તેતે વસ્તુ માંગી. સઘળી વસ્તુ અદ્રશ્ય આવતી જોઈ. રાજા તથા રાજપરિવારને કુતૂહલ થયું. ‘એવમડડુ' શબ્દ સાંભળી, રાજપરિવાર વિચારવા લાગ્યાં. જે માંગે છે તે તરત જ હાજર થાય છે. શિયળવતી તથા દાસી પરિવાર રાજપરિવારના ભાણે ભોજન પીરસવા લાગી. સૌને મનગમતાં ભોજન પીરસાયા. સૌને પેટભર જમાડ્યા. રાજા ચિંતાયુક્ત જમીને દિવાનખાનામાં બેઠો.
અજિતસેન તથા શિયળવતી પણ રાજપરિવાર તથા રાજાની પાસે આવી બેઠા. અજિતસેન રાજાને કહે છે - હે રાજન્ ! આપે મારી ઉપર કૃપા કરી. મારે ઘરે આવી મને કૃત્ય કૃત્ય કર્યો. મારું આંગણું આપના આવવાથી પવિત્ર થયું. ત્યારપછી રાજા અને રાજપરિવારનો શેઠ શેઠાણી સત્કાર કરતાં હતા. વસ્ત્રાદિ તથા વિવિધ અલંકાર-આભૂષણો આપ્યાં. જે ચાર લાખ દીનાર મંત્રીઓ પાસેથી લીધા હતા તે પણ રાજાને આપીને સૌને વિદાય કરવાની તૈયારી કરી. તે વેળાએ રાજા પૂછવા લાગ્યો - હે મંત્રીશ્વર ! ઘરમાં બીજા કોણ કોણ છે?
શિયળવતી - હે મહારાજા ! મારા ઘરમાં ચાર યક્ષરાજ રહે છે. ભોજન આદિ જે વસ્તુ માંગીએ છીએ તે તરત જ આપે છે. દરરોજ સવારે તેઓની પૂજા કરું છું. જેથી તે ચારેય યક્ષો અમારી ઉપર અતિપ્રસન્ન છે. શિયળવતીની વાત સાંભળી રાજા આનંદ પામ્યો.
શિયળવતીને રાજાએ બેન તરીકે સંબોધી - બેન ! શિયળવતી ! તું આજથી મારી ધર્મની બેન છે. આ તારો ભાઈ છે. તેમ સમજજે. એમ કહી રાજાએ બેન કહીને સત્કાર કરી, લાખ દિનાર હાથમાં આપી. પછી ધીમેથી કહે છે - હે બેન ! તારે ઘરે જે ચાર યક્ષો છે તે ચારેય યક્ષને દાનમાં મને આપ.
શિયળવતી - હે ધર્મબંધુ! અમે તો તમારા શરણે છીએ. વળી અમારા પ્રાણ પણ તમારે આધીન છે. યક્ષની વાત શી કરવી ! રાજન ! મારા તે ચારેય યક્ષ તમને ભેટ ધર્યા. જે હું મોકલી આપીશ.
ત્યારપછી રાજા પોતાના પરિવાર સાથે પોતાના મહેલ તરફ વિદાય થયો. શેઠ રાજદ્વાર સુધી મૂકીને પાછો ફર્યો.
શિયળવતીએ સવારે ચારેય મંત્રીઓને બહાર કઢાવ્યા. પોતાના સેવકો થકી તેઓને દાઢી મૂછ આદિ હજામત કરી. નવરાવ્યા. શરીર ઉપર ચંદન કેસરનુ સુગંધિત વિલેપન કર્યું. યક્ષ જેવાં કપડાં પહેરાવ્યાં, ગળામાં ફૂલની માળા આરોપી. કપાળમાં કંકુના ચાંલ્લા કર્યા. વાંસના ચાર મોટા કરંડિયા મંગાવ્યા. બિચારા ચાર મંત્રીઓ વિચારી રહ્યા છે કે હજુ આ સ્ત્રી આપણી ઉપર શી શી અને કેવી ગુજારશે? લાચાર થઈ કંઈ જ બોલતા નથી. સતીના સેવકો સતીના હુકમથી કામ કરી રહ્યા છે. ચાર કરંડિયામાં ચારેયને બેસાડ્યા. વાંસના કરંડિયા દોરીથી બાંધીને રથમાં મૂકયા. ત્યારપછી વાજિંત્ર, ગીત, નાટક સાથે ચાર યક્ષરાજ રાજમંદિર તરફ રવાના કર્યા.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૩૮