________________
-: ઢાળ-૧૭ :
ભાવાર્થ :
રણમેદાનમાંથી અરિમર્દન રાજાની આજ્ઞા લઈ, અશોક મંત્રી નંદનપુર નગરે આવ્યો અને મંત્રીશ્વરના ઘરે શિયળવતીના શીલને ભ્રષ્ટ કરવા આવ્યો. હવેલીની સામે જ બારી રહે તે રીતે રહ્યો છે. અશોક અગ્નિ સાથે બાથ ભીડવા તૈયાર થયો છે. મંત્રી અશોક ભાન ભૂલ્યો. ઉદ્ભટ વેશને ધારણ કરીને, દિનભર બારીમાંથી વારંવાર સતીની હવેલી સામે જોયા કરે છે. બારી પાસે ધામા નાંખી બેઠો છે. પળ પળ વાર સતીની સામે નજર રાખી રહ્યો છે. રે ભૂંડા ! ધિક્ ધિક્ વિષયાંધ લોકોને ! વધારે શું કહેવું ? જે સતીની પરીક્ષા માટે, તેના શીલને અડપલું કરવા તૈયાર થયો છે. શીલ સદાચારને ધારણ કરતી સતીઓ પળે પળ સાવધ હોય છે. અશોક રાહ જોયા કરે છે કે શિયળવતીની દ્રષ્ટિ મારી ઉપર કયારે પડે ? પણ કોઈ તક ન મળી.
કોઈ ઉપાયે શિયળવતી સતીની દ્રષ્ટિ સન્મુખ ન થતાં, પોતાની દાસીને તંબોળ-પાન લઈને મોકલી. દાસીએ કહ્યું કે બાઈ ! મારા માલિક અશોકે મને મોકલી છે. આ પાનનું બીડું આપને માટે મોકલ્યું છે. આપ પ્રેમથી તેનો સ્વીકાર કરો. સતીએ પાનનું બીડું ન લીધું. જેવી આવી હતી તેવી જ દાસીને પાનના બીડા સાથે રવાના કરી.
સતી શિયળવતી વિચારે છે કે રે, વિષયાંધ અશોક ! નામથી અશોક.. તારું નામ સાર્થક નથી. શોકમાં પડેલો તું અશોક મારી સાથે સ્નેહ ? કદીયે સંભવે ખરો ! રે અશોક ! તને ખબર નથી હું કોણ છું ? તું તો વાસનાનો ભિખારી ! તારી સાથે મારે શું ? હું સતી સ્ત્રી, કેસરી સિંહ સમાન છું. સતી સાથે પ્રીત કરવા આવ્યો છું. હું પણ મારી બુદ્ધિથી તને બતાવી આપું કે મને પણ તારા ઉપર પ્રેમ છે. તે પ્રેમ સાચો કરી દેખાડીને તને ઠેકાણે લાવવો પડશે. આ પ્રમાણે વિચારી રાખ્યું. હવે ફરીથી દાસી આવે ત્યારે વાત.
વળી બીજા દિવસે નિર્લજ્જ અશોકે પોતાની દાસીને મોકલી. વિચારીને રાખેલી વાત વર્તનમાં મૂકી. દાસીને હસીને બોલાવી. મનમાં કપટ રાખી વ્યવહાર ચાલુ કર્યો. સતી પણ ભીતરમાં કપટ રાખી બહારથી ખોટો પ્રેમ દેખાડવા લાગી. દાસીની આવ જા વધી. માલિક અશોકને સમાચાર આપતી હતી. અશોક પણ સમજ્યો કે શિયળવતી હવે મારી મોકલેલી દાસી સાથે સારો વ્યવહાર કરે છે. તેથી એકદા દાસીને સમજાવીને કહેવડાવે છે કે,
હે ભદ્રે ! હે સુલોચના ! તમારા સ્વામી પરદેશ ગયા છે. હમણાં તો તમારે પતિનો વિયોગ છે. આ વિયોગ કયાં સુધી સહેશો ? આ સુંદર શરીર, આ યૌવન, આ ઉંમર બધું જ નિષ્ફળ જાય છે. સુંદર ભોગો ભોગવવાનો અવસર છે. ને આજ અવસરે તમારો પતિ પરદેશ... આ મજાનો અવસર ગયા પછી આ સમય પાછો આવતો નથી. તો આ સુખસામગ્રી શા કામની ! વળી વાત કરતી કરતી દાસી ધીમે ધીમે સતીને એકાંતમાં
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
333