________________
સભામાં બેઠેલા લોકો વેશ્યાને કહેવા લાગ્યા - હે રાજનર્તકી ! તારા નૃત્યે સૌ આનંદિત થયા. પણ આ ધનદત્ત શેઠ તો જરાયે આનંદ પામ્યા નથી. તે સાંભળી વેશ્યા મનમાં વિચારવા લાગી. કોઈ પણ ઉપાયે શેઠને રીઝવી-ખુશી કરીને ધન મેળવું તો જ મારી હોંશિયારી. તો જ હું ખરી ચતુર એમ સમજીશ.
નર્તકીના નૃત્યથી રંજિત થયેલો રાજા નર્તકીને કહેવા લાગ્યો - માંગ ! માંગ ! તું જે માંગે તે તને આપીશ. રાજાનું વચન સાંભળી વેશ્યા કહેવા લાગી - સુણો રાજન્ ! આ તમારી બાજુમાં જે બેઠા છે. તે શેઠની પાસેથી મને લાખ દ્રવ્ય અપાવો. રાજા શેઠને કહે છે કે લાખ દ્રવ્ય આ નર્તકીને આપો. શેઠ !
શેઠ કહે - રાજન ! અવસરે આપીશ.
સભા વિસર્જન કરી. રાજા રાજમહેલે ગયો. શેઠ પોતાની હવેલીએ આવ્યો. પછી ઉદાસ હતો. લાખ દ્રવ્યની વાત સાંભળી વિચારતો હતો કે ચેં અપાય ? ધર્મમાં કે કોઈ ગરીબને અપાય. પણ વેશ્યાને આપીને કરવાનું શું ? રાજસભામાં જો ન આપું તો મારી લાજ શી રીતે રહેશે ?
ચિંતાની ગર્હામાં પડેલા શેઠને જોઈને, દરવાજે પાંજરામાં રહેલો પોપટ બોલ્યો - સ્વામી ! ઉદાસ કેમ છો ?
શેઠ - પોપટજી ! રાજકચેરીનો પ્રશ્ન છે. રાજા-વાજાં ને વાંદરા, ગુસ્સે થાય તો બધુ જ ચાલ્યું જાય. આ પ્રમાણે બોલતા શેઠે સઘળી વાત રાજદરબારે બની હતી તે કહી સંભળાવી.
વાત સાંભળી પોપટ બોલ્યો - સ્વામી ! મુંઝાશો નહિ. તેમાં શું છે ? ઉપાય બહુ સહેલો છે. લાખ મૂલ્યવાળું રત્ન અને સાથે એક અરીસો પણ લઈ જવો. જ્યારે વેશ્યા ધન માંગે ત્યારે અરીસા સામે રત્નનો મણિ ધરવો. અને કહેવું જે અરીસામાં રત્નમણિ છે તે લઈ લ્યો.
પોપટની વિચક્ષણ મતિથી બતાવેલ ઉપાયથી ધન મારું જશે નહિ. એ પ્રમાણે બરાબર વાત વિચારી રાખી. પ્રભાત થતાં રાજદરબારે શેઠ ગયા. સભા ઠઠ જામી હતી. રાજા-પ્રધાન-સેનાપતિ-આદિ રાજપરિવાર અને નગરજનો તેમ જ વેશ્યા પોતાના પરિવાર યુકત આવી હતી.
સમય થતાં વેશ્યાએ સારું નૃત્ય કર્યું. ત્યારપછી શેઠની પાસે આવીને લાખ રૂપિયા માંગ્યા.
શેઠ કહે - જો આ અરીસામાં મૂલ્યવાન રત્નમણિ છે તે ગ્રહણ કરો.
તે સાંભળી વેશ્યા વિચારવા લાગી. આ તે શી રીતે લેવાય ?
વેશ્યા - શેઠજી ! આ તે શી રીતે લેવાય ?
શેઠ કહે - તે માંગ્યા છે આપવા પણ હું તૈયાર છું. તારે જે રીતે લેવા હોય તે રીતે લે. વેશ્યા, રાજા અને મંત્રી સામે જોવા લાગી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૧૪
D