________________
બની રાજા તો ચાલી નીકળ્યો. શરીરે ભસ્મ લગાવી છે. હાથમાં ભીખ માંગવાનું ચપ્પણિયું અને ખભે જોળી નાખી જંગલની વાટે રવાના થયો. મોહ ઘેલો રાજા બાવો બની ચાલી નીકળ્યો. વને વને ગામે ગામ ભટકવા લાગ્યો. ભીખ માંગી ઉદરપૂર્તિ કરવા લાગ્યો.
જયારે આ બાજુ ચોર ભોજન લેવા ગયો હતો. તે ભોજન લઈ આવ્યો. વડલા હેઠે ન જોઈ સાંઢણી ન જોઈ મનમોહિની સુંદરી. ભોજન તો હાથમાં જ રહી ગયું. વિચારવા લાગ્યો. કયાં ગઈ હશે ? રાગદશામાં લુબ્ધ બનેલો ચોર પોતાનો ચોરીનો માલ પણ સાંઢણી ઉપર લાધ્યો હતો. સુંદરી ન મળી, માલ પણ ન મળ્યો અને પોતાનું દ્રવ્ય પણ ખોયું. લમણે હાથ દઈ વડલા નીચે બેસી ગયો. મેં જગતને લૂંટયું. મને લૂંટનાર સ્ત્રી પણ મળી. આટલું સમજવા છતાં તે સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો ન થયો. આખરે શરીરે રાખ લગાવી, હાથમાં ઝોળી લઈ યોગી બાવો બની ગયો. નગરની ગલીએ ગલીએ ભીખ માંગતો વન-જંગલમાં ભટકવા લાગ્યો.
વળી, જે પેલો ધન સાર્થવાહ સુંદરીનું ઝાંઝર લેવા નગરમાં ગયો હતો. ઝાંઝર લઈને પવન વેગે વનમાં પાછો ફર્યો. સાથે પેલી માલણ દૂતી પણ આવી છે. પણ ત્યાં તો પેલી મનગમતી પદ્મિની ન જોઈ. સાંઢણી પણ ન જોઈ. ચતુર ધનસાર્થ સમજી ગયો. શોક કરતાં ત્યાં ફસડાઈ પડ્યો. કારણકે સાંઢણી ઉપર ભરેલું ઝવેરાત કરોડો દ્રવ્યનું હતું તે પણ લઈને ચાલી ગઈ. પોતે હાથ ઘસતો રહી ગયો. ઝાંઝર માલણના હાથમાં આપ્યું. તે તો પાછી રવાના થઈ ગઈ. સાર્થવાહ હવે શું કરે ? ભીખ માંગવાનો વારો આવ્યો. આ વનમાં શોક ભર્યો વૈરાગી બની ગયો. શરીર પર રાખ લગાવી બિચારો દુઃખ ભર્યો યોગી બની જંગલની વાટે ચાલી નીકળ્યો.
રાજપુર નગરમાં ગુણાવળીનો પતિ જયવંત ને ખબર પડી કે પિયર જવાની રજા માંગતી મારી પત્ની પિયર વાટે ગઈ નથી. બીજે કયાંક ચાલી ગઈ છે. તે જાણી જયવંત ધણો દુઃખી થયો. વૈરાગ્ય થતાં જ હાથમાં ભિક્ષાપાત્ર લઈને બાવો બની જંગલની વાટે નીકળ્યો.
ચારેય યોગીબાવાઓ વન જંગલ ગામોગામ ફરતાં ભિક્ષા માંગતા ભટકતા, ગામ પાદર વનમાં ફરતા હતાં. ચારેય તે સુંદર સ્ત્રીને જોવા ગામ નગર ફરે છે. પણ સુંદરી કયાંય જોવા મળતી નથી. બિચારા ઘર ઘર ભીખ માંગી જીવન વિતાવે છે.
એકદા આ ચારેય યોગી ફરતાં ફરતાં નસીબ જોગે વનમાં રહેલા સરોવરને કાંઠે ભેગા થઈ ગયા. ‘અલખનિરંજન’ ધૂન બોલાવતા સૌ એકબીજા પોતાના પાપના પડિકાં ખોલવા લાગ્યા. બિચારા દુઃખિયારાઓને એકબીજાનો સહારો મળતાં કંઈક સાંત્વન અનુભવતા હતા. એકબીજા અંદરોઅંદર વાત કરવા લાગ્યા. પેટપૂજા કરવા ઝોળીઓમાં લોટ વગેરે લાવેલા તેને બહાર કાઢી રોટી પકાવવા ધૂણી ધખાઈ લાકડાં ભેગા કરી ચૂલો સળગાવ્યો. સૌએ પોતપોતાની રોટી બનાવી. પછી દાળ બનાવવા શકોરાને ચુલા ઉપર મૂકયું. કેળના પાંદડાંનો ચમચો બનાવી દાળ હલાવવા લાગ્યાં મિત્રભાવે વાતો કરતાં રસોઈ કરી રહ્યા છે.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२२३