________________
સપરિવાર રાજા પરમાત્માના દર્શનાર્થે વનઉદ્યાનમાં આવી ગયો. વિવેકી રાજાએ પરમાત્માને જોતાં હાથ જોડી દર્શન કરી લીધાં. સડસડાટ સમોસરણની સીડી ચડી પહોંચ્યા પરમાત્મા પાસે.
પરમાત્માને વિધિવત્ ત્રણ પ્રદક્ષિણા દેઈ, ઉચિત સ્થાને બેઠો. પરમાત્માની અમૃત ઝરતી દેશના સાંભળી શાંત પામ્યો.
રાજાની સાથે રાણી પણ વૈરાગ્યરસથી તરબોળ થઈ. પરમાત્માની અમૃત સરખી વાણીનો ધોધમાર વરસાદ હતો અને અનુકુળ ક્ષેત્ર હતું. રાજા રાણી સંસાર ઉપાધિને ટાળવા પોતાના હૃદયરૂપી ક્ષેત્રને શુદ્ધ કરીને રાખ્યું હતું. વાણીરૂપી વરસાદે સિંચન કર્યું. બાકી શું રહે? પ્રભુને પોતાના ભાવ જણાવ્યા. પ્રભુ તો જાણતા હતા. રાજા પરિવાર સાથે રાજમહેલે આવ્યો. મહામંત્રીને બોલાવી, પોતાની ભાવના દર્શાવી. કુમાર ચિત્રસેન પણ માતાપિતાનો બોલાવ્યો આવી ગયો.
શુભ મુહૂર્ત કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. કુમારે હા-ના ઘણી કરી પણ છેવટે રાજાનો નિર્ણય અફર હતો. કુમારનું કંઈ ન ચાલ્યું. રાજ્યધુરા કુમારને સોંપીને, રાજા-રાણી દીક્ષા લેવા તૈયાર થયા. જિનમંદિરે મહોત્સવ મંડાયો. શુભદિને વીરસેન રાજા અને રાણી વિમળાએ પણ પલકમાં સંસારના સ્વાંગ ઊતારી, સાધુતાનાં સ્વાંગ લઈને હવે પોતાના કર્મ ખપાવવા ઉજમાળ બન્યા.
વિરસેન મુનિ પરમાત્મા પાસે, વિમળા સાધ્વી સાધ્વીવૃંદની પાસે હંમેશાં ગ્રહણ આસેવન શિક્ષાની તાલીમ પામતાં, પૃથ્વીતળે વિહરવા લાગ્યા.
નિરતિચાર સંયમ પાળતાં, જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમાં આગળ વધવા લાગ્યાં અને આત્મકલ્યાણ કરવા લાગ્યાં.
આ તરફ વિરસેન રાજાની ગાદીએ ચિત્રસેન હવે રાજા થયો. માતા-પિતાના ઉપકારોને યાદ કરતાં ચિત્રસેન રાજાએ રાજયનો કારભાર સંભાળી લીધો. પ્રેમથી પ્રજાનાં હૈયાં જીતવા લાગ્યો. વિરસેન રાજાની યાદી ભુલાઈ જાય, તેવી વર્તણૂકથી ચિત્રસેન પ્રજાવત્સલ્ય થયો. પોતાનાં પાંચસો મંત્રીશ્રૃંદમાં મિત્ર રત્નસારને મહામંત્રીનું સ્થાન આપ્યું.
રાજ્યને સંભાળતો રાજા ચિત્રસેન અંતેપુરમાં પદ્માવતી પટરાણી સાથે આનંદ કિલ્લોલ કરતાં દિવસો પસાર કરે છે. મુખ્યમંત્રી રત્નસારને હજી પણ ઘણો અજંપો છે. મિત્રને ત્રણ આફતોમાંથી ઉગારી લીધો, પણ હજુ રાજાની ઉપર પાપના ઉદયે આવવાનું મોટું સંકટ બાકી છે. તે એકલો જ આ વાત જાણે છે. મિત્રતા સાચી હતી. મિત્રને બચાવી લેવો તે તેનો નિર્ધાર હતો. તેથી ચિત્રસેનનો પડછાયો બનીને સાથે રહ્યો છે. તેનાથી કયાંયે છૂટો પડતો નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૪૭