________________
-: દુહા :
ભાવાર્થ:
ચંદ્રશેખરકુમારની વાત સાંભળી ઘડીભર ચંદ્રાવળીને ખેદ થયો. મનમાં શોક થયો. વિચારતી હતી. રે આ સંસાર ઘણો વિષમ દુઃખદાયી છે. તેમાં કર્મની ગતિની શી વાત કરવી? એ પણ મહાવિષમી છે. સંસાર કેવો છે? શોકભરી વિચારમાં ચંદ્રાને થોડીક ક્ષણો સુધી તો કુમારે ન બોલાવી.
પણ પછી કુમારે બોલાવી - હે સુંદરી ! સાંભળ! મનમાં ધારણ કરેલા ખેદને દૂર કરો. તમારા તે બંને ભાઈનો ઘાતક હું છું. મારા પ્રત્યે તમને ઘણીજ ધૃણા ઉત્પન્ન થઈ હશે. પણ.. ચંદ્રા...
ચંદ્રા તો કુમારની વાત નીચી નજરે સાંભળતી હતી. ઉચું જોવા માટેની પણ તેનામાં ક્ષમતા ન હતી. કુમારે બોલાવી ત્યારે વળી સાહસ કરીને કુમાર સામે જોયું.
કુમાર - સુંદરી ! મારાથી ન બનવાનું બની ગયું છે. તમે કહયું હતું, કે જ્ઞાની ભગવતે કહ્યું હતું. તો તે પણ સાચી વાત. જ્ઞાનનું દીઠું કદીએ મિથ્યા ન થાય. કુમારની વાત સાંભળી ચંદ્રાવતી કંઈક સ્વસ્થ થઈને બોલી - હે પરદેશી ! આપ તો નરોત્તમ છો. વધારે તો શું કહ્યું? પણ.. પણ. આપ ક્ષણમાત્ર અહીં ઊભા રહેજો. આપ કયાંયે ચાલ્યા ન જતા. આપ.. આપ. બાવરી બનેલી ચંદ્રાના બોલવામાં પણ ચંચળતા આવી ગઈ. કહે છે કે, હે પરદેશી ! આપ અહીં જ થોભજો. આ વાત. હું ચંપકમાળાને જઈને કહ્યું. આ પ્રમાણે બોલતી પાછા પગે વળી જંગલમાં રહેલા મહેલ તરફ જવા ઊતાવળી થઈ. જતાં જતાં વળી કહેવા લાગી કે સાંભળો, હે મહાશય! જો તમારી ઉપર રાગવાળી ચંપકમાળા થશે તો મહેલની અગાસીએ લાલ વર્ણની ધ્વજા ફરકશે. અને જો કદાચ વિરકત મનવાળી હશે તો, પિત્તવર્ણની (પીળી) ધ્વજા લહેરાવશે.
લાલ વર્ણની ધ્વજા જોઈ અહીંયા જ થોભી જજો. પિત્તવર્ણની ધ્વજા ફરકતી જુઓ તો ચાલ્યા જજો.
આ પ્રમાણે સંકેત કરી ચંદ્રા ઊતાવળી ગતિએ મહેલમાં રહેલી વડેરી ચંપકમાળા સખી પાસે પહોંચી. જ્યારે કુમાર તો તેને જોવામાં તલ્લીન બન્યો. ચંદ્રા દેખાતી બંધ થતા, કંઈક વિચારે છે કે કેવો કર્મનો ખેલ! હું કયાં કયાં પહોંચ્યો? દુનિયા જોવા નીકળ્યો. અવનવી દુનિયા જોઈ.
વળી કુમાર ચંદ્રાવતી પાછળ મહેલ દેખાય ત્યાં સુધી પાછળ ગયો. મહેલને જોતાં જ દૂર એક વૃક્ષ નીચે જઈ ઊભો. સંકેત કરી ગયાને લગભગ બે ઘડી જેટલીવાર થઈ. તેમાં તો કુમારનું દિલ જાણે હરી ન ગઈ હોય. તેવો સૂનમૂન થઈને જાણે કોઈ મુનિભગવંત સાક્ષાત્ ઉપશમ શ્રેણીએ ચઢી રહ્યાં હોય, તેવા ધ્યાનમાં હતો.
એક સરખી નજરે કુમાર મહેલ તરફ નિહાળી રહ્યો હતો. રાહ જોવાની પળો ઘણી લાંબી લાગે છે.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૮૯