________________
ભેગા થઈ સહુએ ગોળધાણા ખાધા. સગાઈ થઈ ગઈ. હવે લગ્નનો દિવસ જોવડાવ્યો. અને ઘડીયાં લગ્ન આવી ઊભા. શુભદિને વરઘોડે ચડી જાન લઈ જિનશેખર સાથે અજિતસેન મંગળપુરી ગામે પહોંચ્યો. રત્નાકર શેઠનો લાડકવાયો એકનો એક દીકરો પરણે છે. જાન સજાઈ ઘણી કરી હતી. વરરાજાઅજિતસેનને ચોરીએ પધરાવ્યા. બ્રાહ્મણોએ લગ્નવિધિ આરંભી. ને જોતજોતામાં શિયળવતી કન્યાના લગ્ન અજિતસેન સાથે ઘણા ધામધૂમથી થઈ ગયા. દત્તશેઠે નિરાંતનો શ્વાસ લીધો. કન્યાને દાયજામાં ઘણું આવ્યું. જમાઈરાજને પણ ઘણું દ્રવ્ય આપ્યું.
જાનને વિદાય આપી. વરઘોડિયાને વિદાય આપી. અજિતસેન, પત્ની શિયળવતીને લઈ, પોતાના નગરે પહોંચ્યો. પિતા રત્નાકર શેઠને હૈયે ટાઢક થઈ. પુત્રયોગ્ય કન્યા મળ્યાનો સંતોષ થયો. સહુના સુખમાં દિવસો જવા લાગ્યાં. શિયળવતી વહુને જોતાં સાસુ સસરા પણ ઘણા હરખ ઘેલાં થઈ ગયાં હતાં. પુત્રવધુ પર અપાર સ્નેહ સાસુ સસરા સ્વજન પરિવાર સહુ રાખતા હતાં. વિવેકી ગુણિયલ શિયળવતીએ પોતાના શીલ સદાચાર સાથે શ્વસુર પક્ષના પરિવારના મન જીત્યાં હતાં.
સંસાર ચાલ્યો જાય છે. અજિતસેનના દિવસો સુખમાં જવા લાગ્યા. અઢળક સંપત્તિનો ભોગવટો પણ પુણ્યાઈ હોય તો જ થાય, નહિ તો ન થાય. દંપત્તીને સુખનો પાર નથી ધર્મ પામેલા જીવો છે. તો ધર્મને પણ ભૂલતા નથી.
એકદા મધ્યરાત્રિએ હવેલીમાં શિલવતીએ શિયાળનો અવાજ સાંભળ્યો. શિયળવતી પશુ પંખીની ભાષા ધણી સમજતી હતી. ભરનિદ્રામાં પતિ પોઢેલો હતો. કોઈ ન જાણે તે રીતે પાણીથી ખાલી ઘડો હાથમાં લઈ, ઘરની બહાર, ચોર પગલે નીકળી ગઈ. મધ્યરાત્રિએ નીકળી એકલી નગરની બહાર જવા માટે ચાલી જાય છે. શિયાળનો અવાજ સાંભળી ગામ બહાર નદીએ પહોંચી ગઈ. કોઈને પણ ખબર ન પડે તેમ પાછી આવીને સૂઈ ગઈ.
જતી આવતી શિયળવતીને સસરા રત્નાકર શેઠે જોઈ હતી. ઘડો લઈને જતાં જોઈ. તેથી શંકાશીલ સસરાએ વધારે ધ્યાન રાખ્યું. ઘણીવાર પછી તે પાછી આવી. તે પણ જોઈ. વહેમના ઓસડ ન હોય. જરૂર વહુની ચાલચલગત સારી લાગતી નથી. શેઠ આ વહેમને મનમાં ન સમાવી શકયા. તરત પોતાની સ્ત્રી શ્રીદેવીને ઉઠાડી. વહુના ચરિત્રની વાત કરવા લાગ્યો. પત્નીને કહે છે કે આપણે એમ જાણતાં હતાં કે આપણી વહુ શિયળવંતી છે. પણ આજે મધ્યરાત્રિએ બીજા ઘર રમવા જતાં મેં જોઈ. પુત્રવધુ ઉપર તું વિશ્વાસ રાખે છે. પણ રાખવા જેવો નથી. રાત્રિમાં પરઘર ભટકવા જાય તે શું બતાવે છે? તેણે કુળમર્યાદાને પણ ગણકારી નહિ. તું તો કંઈજ જાણતી નથી. મેં તો તેને જતાં અને ઘણીવાર પછી આવતાં જોઈ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૬