________________
વડલાની એક તરફ કુમાર, બીજી તરફ ચાર મહાત્માઓ પોતાની સાધના સ્વાધ્યાયમાં લીન હતા. તે ધન્ય દિન ને રાત્રિ ઉજજવળ પક્ષની પુનમની રાત હતી. પુનમના ચંદ્રમાના કિરણમાંથી શીતળતાનું અમૃત ઝરે તેમ આ મહાત્યાગીઓના મુખ ઉપર ઉપશમતા તરતી હતી. કામવિજેતા પામેલા મુનિના ત્યાગ અને ચારિત્રના પ્રભાવે મુખ ઉપર અતિશય પ્રસન્નતા જણાતી હતી.
નજીકના નગરમાં વસતા શ્રાવકોને જાણ થતાં સૌ પરિવાર લઈને મહાત્માના દર્શન કરવા વડલા હેઠે આવી પહોંચ્યાં. માનવ ટોળા આવતાં જોઈને અને મુનિ ભગવંતની વાત સાંભળી કુમાર પણ મુનિભગંવતને ભાવપૂર્વક વંદન કરવા આવ્યો. નમતાં ચંદ્રકુમાર મુનિ સન્મુખ જોઈ રહ્યો છે. મુખપરની તેજથી ઝળહળતી કાંતિ જોતાં સ્તબ્ધ થયો. યોગ્ય સ્થાને બેસી બે હાથ જોડી મુનિને પુછ્યું. -
કુમાર - હે મહાત્મા ! આ નાની યૌવન અવસ્થામાં સંસારનો આંચળો ઊતારી નાંખ્યો. હે વૈરાગી મહાત્મા ! આપની આ ઉંમરે વૈરાગ્યનું કારણ ? હે જગતબંધુ ! આવો ઉગ્રતપ સંયમના સ્વાંગનું શું પ્રયોજન ! કૃપા કરીને અમને કહો.
ચાર મુનિ ભગવંતમાંથી જે મોટા હતા તે કહે છે.
મુનિ ભગવંત - હે મહાનુભાવ !
અમૃત સરખા મુનિના શબ્દો સાંભળી, મધુરવાણી સાંભળવા સૌ ઉત્સુક બન્યા. બીજા પણ દર્શનાર્થે આવેલ શ્રાવકવર્ગ મુનિની વાત સાંભળવા બેસી ગયા.
મુનિ આગળ બોલ્યા - હે સજજનો ! અમારા વૈરાગ્યનું કારણ સંસારમાં અવનવા નિમિત્તોમાંથી નીપજ્યું છે. હળવુ કર્મી આત્મા તો નજીવા કારણો મળતાં વૈરાગ્ય પામી આત્માના કલ્યાણ માટે સંસારનો ત્યાગ કરે છે.
હે ભવ્ય પ્રાણીઓ ! આ સંસારમાં વિષયકષાયના વિપાકો મહાભયંકર હોય છે. જીવાત્માઓ મોહને વશ થઈ ચારે ગતિઓમાં રખડ્યા કરે છે. પાંચ ઈન્દ્રિયની પટુતાથી જીવ ઘણા દુ:ખને પામે છે. એક એક ઈન્દ્રિયના વશથી મહાદુઃખને પામે છે. હાથી સ્પર્શેન્દ્રિયની પટુતામાં લપટાતાં મહાવતના બંધનમાં બંધાઈ જાય છે. અને મહાદુઃખ પામે છે. અને ત્યારે તે ગરીબડી ગાય જેવો લાગે છે. રસનેન્દ્રિયના વશ થકી માછલી જાળમાં ફસાય છે. ધ્રાણેન્દ્રિયના વશથી ભમરો કમળના બીડાંમાં સપડાય જાય છે. ચક્ષુઈન્દ્રિયના વિષયમાં પતંગિયા દીવાની જ્યોતમાં બળી જાય છે. શ્રવણેન્દ્રિયના વશથી હરણ મરણને શરણ થાય છે.
જો એક ઈન્દ્રિયના વશ થકી જાન જોખમમાં મૂકાતા હોય તો જે જીવાત્મા પાંચ પાંચ ઈન્દ્રિયના, ૨૩ વિષયોમાં આસકત થાય તો તેની શી ગતિ થાય ?
કામ વિવશથી જે મનુષ્યો વેગળા થાય તે મનુષ્ય આ જગતમાં મહાસુખી થયા છે. ગમે તેટલાં સંકટો આવે છતાં તે આત્માઓ પોતાના માર્ગને મૂકતા નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૨૯