________________
તારા બંને પુત્રો વિદ્યા વિનાના છે. ચંદ્રમા વિનાની રાત્રિ સરખા છે. તે તારા અજ્ઞાની બંને પુત્રોને જે હણશે, તે તારી પુત્રીઓનો ભરતાર થશે. વળી તે જ પરોત્તમ પુરુષ તારા સ્વામીને શત્રુના હાથમાંથી છોડાવશે. ચંપકમાળાની માતા ગુણાવળી ગુરુમુખથી આ વાત સાંભળીને ખેદ પામી અને સાથે હર્ષ પણ પામી. મુનિને વંદન કરીને ઘરે આવી. વિચારે છે કે, બંને પુત્ર હણાશે, તેનો ખેદ. વળી તે જ નર દીકરીઓનો ભરતાર થશે. અને મારા સ્વામીને તે છોડાવશે. તે વાતથી આનંદ થયો.
ચંદ્રા વાત કરે છે. કુમાર સાંભળે છે. વચમાં વચમાં ચંદ્રા કુમારની સામે જોઈ લે છે. વાત સાંભળવામાં તન્મય થયેલો જાણી, ચંદ્રાવળી આગળ વાત કરે છે.
અમે તો ત્યારથી ચોસઠ સાથે જ રહીએ છીએ. એક વખત અમે ચોસઠ બાળા ભેગી થઈને કામદેવના મંદિરે રાત્રિને વિષે રમવા ગયાં હતાં. મંદિરમાં અમે સહુ વિવિધ પ્રકારના નાટક, નૃત્ય અને ગીતગાન કર્યા, અને ગાયા. પછી અમે સહુ સરોવર તીરે અમારા વસ્ત્રો અને આભુષણો મૂકી જળક્રીડા કરવા સરોવરમાં ઊતર્યા. જળક્રીડાને અંતે અમે બહાર આવ્યાં. ત્યારે અમારા વસ્ત્રાભૂષણો ન જોયા. હે નરક્ષત્રિય ! તમે ગુપ્તપણે રહ્યાં છતાં અમારા વસ્ત્રાભૂષણો તે રાત્રે તમે લઈ લીધા. બહુ આજીજી કરતાં તે વસ્ત્રાભુષણો વગેરે અમને પાછા આપ્યા. ત્યારે અમારી તે વડેરી ચંપકમાળાએ તે નરપુરુષને ખડ્ગ અને રત્નમણિમય એક કંચૂકી આપી. ત્યારે તે ખડ્ગ કંચૂકીનો મહિમા બતાવ્યો હતો. સાહસ કરીને લીધેલા વસ્ત્રાદિકથી તે ઘણો સાહસિક છે, માની તેની પરીક્ષા થઈ તેને શોધીને વરશુ. ત્યારે અમે તે પ્રમાણે ધારણા કરી હતી. કામદેવના મંદિરે જે જોયા હતા અણસારે તમે જ હતા તેમ હું માનું છું.
બાળાની વાત સાંભળી કુમાર પોતાની જાતને છુપાવતા બોલ્યો - હે ભોળી બાળા ! કયાંક ભૂલાવામાં પડતી નહિ હું તે નથી. પણ તું અહીં એકલી કેમ ?
ચંદ્રા - હે પરદેશી ! મારી વાત સાંભળજો ચંપકમાળાના બે ભાઈ મનોવેગ અને વાયુવેગ નામના છે. મણિચૂડ શત્રુને જીતવા માટે તેઓ હઠે ચડ્યા. અત્યાર સુધી કોઈ વિદ્યા ન ભણ્યા, પણ પિતાને છોડાવવા, રાજ્ય પાછુ લેવા માટે બંને ભાઈ વિદ્યા સાધે છે તે બંને ભાઈઓ જમુના નદીના કિનારે મહેલ બાંધ્યો. પોતાની બેનો તથા માતાને અહીં લઈ આવીને મહેલમાં રાખ્યા છે. તે બહેનોની સાથે અમે પણ બધી ભેગી સાથે રહ્યા છીએ.
મનોવેગ કોઈ પદ્મિનિને લઈ આવીને ગિરિગુફામાં વિદ્યા સાધે છે. જ્યારે વાયુવેગ આ વંશજાળમાં ચંદ્રહાસ વિદ્યા સાધી રહ્યો છે. છ મહિનામાં વિદ્યા સિદ્ધ થશે, પછી શત્રુને હરાવશે. ચંપકમાળાએ મને અહીં ભાઈની ખબર લેવા માટે મોકલી. તે હું આ તમારી સાથે વાતો કરી રહી છું.
આ વાત સાંભળી ચંદ્રશેખર મનમાં ચિંતવવા લાગ્યો કે તે બંને ભાઈઓ ગિરિકંદરાને વાસની જાળમાં મારા હાથે મરાયા છે. હવે શું કરવું ? કંઈક વિચારી ચિત્તમાં ધૈર્યને ધારણ કરી, તે બંનેને મરાયાની વાત ચંદ્રાને કરી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२८७