________________
મિલાપ નહિ થાય. ચંપકમાળાની વાત સૌ સાંભળી રહી હતી.
હે સાહેલડીઓ ! તો સાંભળો ! આપણે બધી જ ભેગી થઈ, કોઈ એક મહા શુરવીર સ્વરૂપવાન બુદ્ધિશાળી ગુણવાન પુરુષને શોધી કાઢીએ. જે કોઈથીય ગાંજયો ન જાય. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણા પ્રેમને નભાવે. તેવા વરને પરણીએ. જેથી આપણને કોઈનો વિયોગ ન થાય. વાત સાંભળી વિદ્યાધર કન્યાઓએ વાત વધાવી લીધી. ઉત્સાહથી વાત સ્વીકારીને સધળી એક મનવાળી થઈને અમે સૌ સાથે રહીએ છીએ, સાથે જમીએ છીએ. વનમાં જળક્રીડા કરવા પણ સાથે જ જઈએ છીએ.
એકદિન શંખપુરી નગરીના મણિચૂડ નામના વિદ્યાધર રાજાને પોતાના દૂતને વિજયાપુર નગરીએ મોકલ્યો. તે દૂત હરિબળ રાજા પાસે આવીને પોતાના રાજાની વાત જણાવી કે હે રાજનું ! તમારી આઠ કન્યાઓની માંગણી અમારા રાજાએ કરી છે. તમારી કન્યાઓ અમારા રાજા સાથે પરણાવો.
હરિબળ રાજા તો આ સંદેશો સાંભળી વિચારમાં પડ્યો. તે જાણે છે મારી આઠ કન્યા અને તેની સાહેલીઓ મળી ચોસઠ કન્યાઓ એક જ વરને પરણવાનું નક્કી કર્યું છે. તો તેમની ઈચ્છા વિરૂદ્ધ મારી તે કન્યાઓ શી રીતે છૂટી કરવી?
મણિચૂડ રાજાનો દૂત વળી આગળ બોલ્યો - હે રાજન્ ! મારી આ વાતનો સ્વીકાર કરો. નહિ આપો તો રણસંગ્રામની તૈયારી કરજો. અમે રણ સંગ્રામે જીતીને કન્યાઓને ગ્રહણ કરીશુ.
- દૂતની વાત સાંભળી હરિબળ બોલ્યો તે દૂત સાંભળ! માંગ્યુ કોઈનું મળતું નથી. અમારી પુત્રીઓ તો ઈચ્છીત વરને વરશે. મારા તારા કહેવાથી તે વરવાની નથી. તે તેમની ઈચ્છા મુજબ વરને વરવાની છે.
દૂત સંદેશો લઈ મણિચૂડ પાસે પહોંચ્યો. દૂતની વાત સાંભળીને રાજા લશ્કર લઈ વિજયાપુર નગરી ઉપર ચઢી આવ્યો. હરિબળ રાજાને હરાવી કારાગૃહમાં નાખ્યો. જ્યારે ગુણાવળી રાણી અને આઠેય કન્યાઓને ચાંપતી નજર રાખી.
એક દિવસ વિજયાપુર નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધણી (મન:પર્યવજ્ઞાની) મુનિભગવંત પધાર્યા. ગુણાવળી આ સમાચાર સાંભળતાં, દુઃખને હળવુ કરવા, ગુરુ ભગવંત પાસે પહોંચી. હૈયું તો દુઃખથી ભર્યું છે. જ્ઞાની ભગવંતનો ઉપદેશ સાંભળી કંઈક શાંત થઈ. ઉપદેશના અંતે મુનિ ભગવંતને બે હાથ જોડી પૂછ્યું - હે ભગવંતું ! મારી આઠ પુત્રીનો ભરતાર કોણ થશે ? વળી તે ભાગ્યશાળી કુમાર શી રીતે મળશે? અમારો પુણ્યનો ઉદય કયારે થશે? મારો સ્વામી શત્રના હાથમાં છે, તો તે કેવી રીતે છૂટશે? હે ગુરુ ભગવંતું ! અમારી ઉપર કૃપા કરો.
ગુણાવળીની વાત સાંભળી ગુરુ ભગવંત બોલ્યા - હે ગુણાવળી! સાંભળ! તારા મનમાં ધીરજને ધારણ કર. ઊતાવળી ન થઈશ. શાંત ચિત્તે સાંભળ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२८६