________________
સાચો મિત્ર
-: ઢાળ - ૯ :
ભાવાર્થ:
દિવસ રાત ચોવીસ કલાક રાજાનું રક્ષણ કરતો રત્નસાર હર પળે હર સમયે સાવધ છે. વડલા ઉપર બેઠેલ વ્યંતર યુગલની વાત પળ માટે ભૂલ્યો નથી. નથી ભૂલ્યો માટે પળવાર પણ રાજાથી અળગો થતો નથી.
તેવામાં એક દિવસની સાંજે કુમાર મંત્રીશ્વર અગત્યની વાતો કરતા છૂટા પડ્યા. ચિત્રસેન પોતાના શયન ખંડમાં ચાલ્યો ગયો. મંત્રીશ્વર ઉઘાડી તલવારે ચોકી કરે છે. મધ્યરાત્રિ જામી છે. ચિત્રસેન નચિંત ભરનિદ્રામાં પોઢી રહ્યો છે. ખબર નથી મારે માથે સંકટ શું આવવાનું છે? શયનખંડની એક બારી પાસે પલંગમાં રાજા સૂતા છે, જ્યારે બીજી બારી પાસે પટ્ટરાણી પદ્માવતી નિરાંતની નિદ્રા લઈ રહ્યા છે.
તે અવસરે ચોકી કરતાં રત્નસારે સામે ભીંત પર પડતી હાલતી ચાલતી છાયા જોઈ. છાયા જોતાં જ તરત સાવધાન થઈ, શયન ખંડમાં ઊંચે છતમાં નજર કરી. ખરેખર ! દેવની વાણી અમોધ હોય છે. કયારેય દેવોના વચનો મિથ્યા થતાં નથી. મંત્રીએ છતમાં જોયું ભયાનક યમરાજની જીભ સરખો ભોરીંગ મોટો કાળો નાગ છતમાંથી નીચે રાજાની શૈયા ઉપર લટકી રહ્યો છે. નાગને જોતાંજ મંત્રીશ્વરે હાથમાં રહેલી ખુલ્લી તલવારને પળનો વિલંબ કર્યા વિના પલંગ ઉપર લટકી રહેલા નાગની ઉપર ઉગામી. એક ઝાટકે હણી નાંખ્યો. નાગનું શરીર ઘબાક કરતાં જમીન ઉપર પડ્યું, ને તે શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યાં. લોહીનાં બુંદ શયન ખંડમાં ચારેકોર ઉડ્યા. ધીમેથી નાગના શરીરના ટુકડા ખંડમાં રહેલા થાળમાં ભેગા કરી સંતાડી દીધા. લોહીનાં ટીપાં ભીનાં કપડાથી જમીન લુછી નાંખી, તેથી રાજાને ખબર ન પડે. પણ સૂતેલી પદ્માવતી રાણીના શરીર પર લોહીના બુંદ પડ્યા. શયનખંડમાં ધીમી ધીમી બળતી દીપમાળાના પ્રકાશમાં રત્નસારે તે લોહીનાં ટીપાં જોયાં. તરતજ મંત્રી પોતાના વસ્ત્રના છેડે રાણીના અંગ પરના લોહીના ટીપાં સાફ કરવા લાગ્યો. રખેને આ વાતની જાણ ન થવી જોઈએ. વળી ઝેરી સર્પના લોહીથી રાણીના અંગને કંઈ પણ હાનિ ન થાય. તે જ અવસરે ન બનવાનું બની ગયું, તે ટાણે ભરનિદ્રામાંથી ચિત્રસેન અચાનક જાગી ગયો. મંત્રીશ્વરની ચેષ્ટા જોતા જ સફાળો પલંગ ઉપર બેઠો થયો. મંત્રીની ઉપર ક્રોધે ભરાયો, અને એકદમ ત્રાડકયો. રે મંત્રી !
અત્યારે શું કરો છો ! અડધી રાત્રિએ મારા શયનખંડમાં ! મંત્રીશ્વર શું બોલે? રાજાના ક્રોધથી બોલાયેલા . વાકયોનો જવાબ શું આપે? શું બોલું? શું ન બોલું? ભયભીત થયેલ રત્નસાર કંઈજ ન બોલી શકયો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२५२