________________
હે અમારા માનવંતા મહેમાનો! આપ સૌ સાંભળો. અમારે ત્યાં દેવ અધિષ્ઠિત ધનુષ બાણ છે. જે વંશ પરંપરાગત અમારા વડિલો પાસેથી અમારી પાસે આવેલ છે. તે આપણી સભામધ્યમાં સ્થાપિત કરેલ છે. તે સહુ જોઈ શકે છે. આજનો દિવસ આપણા માટે મોટો તેમ જ મહત્વનો છે. અમને સૌને ઘણો આનંદ છે. અમારા મહારાજના વંશજમાં ધારો છે કે જે પુણ્યશાળી મહાપરાક્રમી આ ધનુષની પણછને ચડાવશે તેને અમારી રાજકુમારી વરમાળા આરોપશે. દેવ અધિષ્ઠિત આ ધનુષનું નામ વ્રજ સાર છે. ધનુષ ઉપર તેના અધિષ્ઠિત દેવની ચોકી છે. જે તે ઉપાડી શકવા સમર્થ નથી. અત્યારે આ ધનુષની પૂજા કરી, આપ સૌની વચમાં મૂકુ છું. જે કોઈ વીરલો હોય તે પોતાના બાહુબળ ઉપર વિશ્વાસ હોય તે આવીને પોતાની શકિત પ્રગટ કરી, ધનુષને પણછ ચડાવે.
તે વેળાએ મહામંત્રીએ દૈવી ધનુષની પૂજા કરાવીને સભામધ્યે આદરસહિત પાટ પર મુક્યું. જયારે બીજી બાજુ પદ્માવતીએ સોળે શણગાર સજી, સખીઓ સાથે પાલખીમાં બેસી સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. સાક્ષાત્ ઈન્દ્રપુત્રી જયંતી જ ન હોય? તેવી શોભતી હતી. સૌની નજર કુંવરીને જોવામાં લાગી. આકાશમાંથી વિજળી ચમકતી અહીં ઊતરી તો નથી ને? પાલખીમાંથી ઊતરી રાજકુંવરી મંડપમાં આવતી હતી. ચાર દાસીઓ કુંવરીને ચારે તરફથી ઘેરી લઈને સાથે ચાલતી હતી. સોનાની મોટી સરખી ચાબુક હાથમાં હતી. સુંદર શોભતી કુંવરી સભામાં ચાલતી બે દાસીઓ ડાબે જમણે વીંજણો વીંજતી હતી. બે દાસીઓના હાથમાં થાળ હતો તે થાળમાં પાન બીડાં હતાં. તે બીડાં પદ્માવતીને હાથમાં આપતી સાથે ચાલતી હતી. તે વેળા મંડપમાં જાણે અંધકાર ન છવાયો હોય તેમ કુંવરી રૂપી વિજળીનો ઝબકાર થતાં ચારેકોર અજવાળું પથરાઈ ગયું. કુંવરીના રક્ષણાર્થે પાછળ પાછળ ચાલતાં ઘણાં સુભટો પણ હતા. પદ્માવતી તો સભામાં સમયસર આવી. પણ તેના હૈયામાં એક જ વાતની મોટી ચિંતા સતાવતી હતી. ચારેકોર નજર ફેરવી લીધી. શી ચિંતા હતી તો કહે છે કે જે મારા પૂર્વભવને દેખાડનાર પટ્ટને બનાવનાર પટ્ટધરની ટેક જરૂરથી રહેશે ને!
જયારે સભામાં બેઠેલા સજ્જનો સહુ કુંવરીને જોવામાં તલ્લીન બન્યા. સભામાં રહેલા મંગલપાઠને બોલનાર મંગલપાઠ બોલવા લાગ્યાં. તે જ વખતે શુભ શુકન થતાં પદ્માવતીએ પોતાના પાલવના છેડે શુકનની ગાંઠ બાંધી દીધી.
વળી કુંવરી સભાસદોને જોવા લાગી. ત્યાં જ એક દિશામાં બેઠેલા બંને પરદેશી મિત્રો કુંવરીના જોવામાં આવ્યા. પદ્માવતીના મહેલે આવેલા જે બે પરદેશી તે જ બે મિત્રો સભામાં જોતાં જ દાસી ઓળખી જતાં પદ્માવતીને કાનમાં કહેવા લાગી. તે સાંભળતાં પદ્માવતી અને સખીઓ મનમાં હરખાણી. ત્યાર પછી પદ્માવતી સખીઓ સહિત ઉચિત સ્થાને જઈ બેઠી.
સભામાં મંત્રીશ્વરે પડકાર કર્યો કે જે કોઈ વીર હોય તે અહીં આવી આ ધનુષને પણછ ચઢાવે !”
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૩n