________________
દેવીએ તો આ વાત સાંભળી દુઃખ ધારણ કર્યું. જયારે રત્નસાર મંત્રીપુત્રે બધી જ વાત સાંભળી મનમાં ધારણ કરી રાખી. પ્રભાત થતાં વળી આગળ પ્રયાણ આદર્યું. ચિત્રસેન સતત પ્રયાણ કરતાં સૈન્ય સહિત પોતાના નગરની બહાર આવી ઊભો. મંત્રીપુત્રે એક સુભટને અગાઉથી રવાના કરી દીધો. રાજા વીરસેનને સમાચાર મોકલાવ્યા હતા. જે સંદેશો સાંભળી રાજા-રાણી આનંદ પામ્યા હતા. અને કુમારનું સદંતર કાટલુ કાઢવા વિચારેલા ઉપાયો અમલમાં મૂકવાની તૈયારીઓ કરતો રાજા સામૈયા સાથે નગર બહાર ઉદ્યાનમાં આવ્યો. ઘણા સમયે પિતાને જોતાં કુમાર દોડતો પિતાને ચરણે જઈને પડ્યો.
કુટીલ હૃદયનો રાજા કૃત્રિમ હાસ્ય વડે પુત્રને ભેટ્યો. કુશળતા પૂછી અને પછી નાશની નિશાનીરૂપ વક્રગતિ ઘોડો કુમારને બેસવા માટે સુભટ થકી આગળ ધર્યો. ભોળા કુમારને ભેદની ખબર ન હતી. પણ ચાલાક મંત્રીપુત્ર રત્નસારે યુકિતપુર્વક ઘોડો બદલી નાંખ્યો. તેની કોઈને કંઈપણ ખબર ન પડી. બીજા ઘોડા પર બેસી, કુમાર નગર ભણી સામૈયા સાથે ચાલ્યો. રાજા તો રથમાં બેસી કુમારની પાછળ ચાલ્યો આવતો. વારંવાર ઘોડા સામે નજર છે. પણ ઘોડો તો મદમસ્તીથી સવારને લઈને મલપતો ચાલ્યો જાય છે. રાજા વિચારવા લાગ્યો, જરૂર કુમારે બુદ્ધિપૂર્વક વક્રગતિ ઘોડાને વશમાં લઈ લીધો છે. ઠીક ! આગળ વાત.
વળી સામૈયા યુકત વરઘોડો નગરદ્વારે આવી પહોંચ્યો. સૌ દરવાજેથી નગરમાં જવા લાગ્યાં. કુમારે ઘોડાસહિત પગ મૂકયો, ત્યાં મંત્રીપુત્ર રત્નસારે ઘોડાના મુખ પર જોરદાર લાકડીનો ઘા કર્યો. ઘા થતાં જ ઘોડો ચાર-છ ડગલાં પાછો હટી ગયો. તેજ વખતે યંત્ર દરવાજો પડ્યો. કુમાર બચી ગયો. દરવાજામાં રહેલા લોકોમાં ઘણાને વાગ્યું. કોઈ મૃત્યુ પણ પામ્યા. પુણ્યશાળી કુમાર આબાદ ઊગરી ગયો.
કવિરાજ કહે છે - રાગાંધ રાજાની શી વાત કરવી? કઠણ કલેજાનો રાજા જરાયે પીગળતો નથી. બે આવળીમાંથી ઊગરી ગયેલા પુત્રને મારવા હવે દુષ્ટમતિ કેવી ત્રીજી આવળી પાર પડે છે. તેની વાટ જોવા લાગ્યો. વાડ ચીભડાં ગળે' તો બીજાને શું કહેવુ? ચંદ્રમાંથી જો અગ્નિનો તણખો ઝરે તો શીતળતા કયાં મળે? પિતા પુત્રને મોતને ઘાટ ઊતારવા તત્પર બન્યો છે. તો બીજાને શું કહેવું?
દરવાજા આગળ મોટો કોલાહલ મચી ગયો. રાજાએ કરેલુ આ અપકૃત્ય માણસોએ જાણ્યું. સહુ અંદરો અંદર બોલવા લાગ્યા. પણ રાજાને કોણ કહે? ખરેખર ‘સત્તા આગળ શાણપણ નકામું છે” કુમાર તો મિત્ર અને પત્ની સહિત હેમખેમ સામૈયા સાથે રાજદરબારે આવી ગયો. નગરજનો વિખરાઈ ગયા. કુમાર મિત્ર સાથે અને પદ્માવતીને લઈને રાજમાતાના મહેલે પહોંચ્યો. કૃત્રિમ હાસ્યથી વિમળાએ કુમારને આવકાર્યો. ઓવારણા લીધાં. માતાને નમસ્કાર કરી દંપત્તી પોતાના મહેલમાં ગયા.
બીજે દિવસે વિમળાએ નવદંપત્તીને પોતાના મહેલે જમવા બોલાવ્યા. કપટી માતા વિમળાને ન ઓળખતો કુમાર, પત્ની અને મિત્રને લઈને જમવા ગયો. રાજા-રાજપરિવાર કુમાર, રત્નસાર, પદ્માવતી ઉચિત
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૪૩