________________
પકડવાનું કામ પહેલું પછી બીજા કામ.
આ પ્રમાણે વિચારી બાપ-દીકરાએ નગરની હવેલી, ચોક, ચૌટા, હાટ, શેરીઓમાં તપાસ ચાલુ કરી. આ વાત નગરના રાજાને કરી. રાજાએ નિશાનીઓ આપી ચારે કોર તપાસ કરવા માણસો મોકલ્યા. નગરમાં તપાસ કરતાં ગણિકા-વેશ્યાને ત્યાં રાજાના સેવકોએ નાક-કાન વગરનો ચોર પકડી પાડ્યો. રાજદરબારમાં ચોરને હાજર કર્યો.
રાજાએ પૂછયું રે ! મૂરખના સરદાર ! તું ધનવાન કેવી રીતે બન્યો? ધન કયાંથી મેળવ્યું?
ચોર તો રાજાની વાત સાંભળી હસવા લાગ્યો. હસતાં હસતાં કહેવા લાગ્યો -મહારાજા ! આ શેઠનું ધન મેં લીધુ છે.
રાજા - કેમ! અલ્યા હરામનું ધન લીધું ને મન માની ઉજાણી કરવા લાગ્યો છે. હસતાં હસતાં જવાબ આપે છે. તને શરમ નથી આવતી કે હું કયાં અને કોની સામે બોલુ ?
ધૂર્તચોર - મહારાજ! મહારાજ મેં હરામનું ધન લીધું નથી. તેની ભરપૂર કિંમત ચૂકવી છે. મેં માલ સાટે મૂલ્ય પણ દીધું છે.
રાજા - રે મૂરખ ! માલ આપ્યો છે? શી કિંમત ચૂકવી છે?
ધૂર્તચોર - રાજનું! મારા જીવિતના આધારભૂત અને મારા શરીરની શોભારૂપ નાક-કાન કાપી આપ્યા છે. પછી મેં ધન લીધું છે. હજી પણ તે મારી મૂલ્યવાન જે વસ્તુ કાન અને નાક જે રીતે હતી તેવી સ્થિતિમાં પાછી સરખી કરીને આપે તો, શેઠનું સઘળું ધન હું પાછું આપી દેવા તૈયાર છું. આમાં મારો બીજો કોઈ જ વાંક કે ભૂલ નથી.
ધૂર્તચોરની વાત સાંભળી રાજા ઘડીક તો મુંઝાયો. શેઠ અને તેનો દીકરો વિમળ તો દિમૂઢ થઈ ગયા. સભાજનો તો જવાબ સાંભળી તાજુબ થઈ ગયા. વળી બોલવા લાગ્યા. બીજાનાં નાક-કાન કપાય જ કેમ ? પૈસા પાછા આપવા છતાં પાછા હતા તે સ્થળે નાક-કાન કેવી રીતે ગોઠવાય? તરેહ તરેહની વાતો ચાલવા લાગી. રાજા તો કહેવા લાગ્યો કે તમે બંને-ધૂર્ત સરખા છો. તો અમે શું કરવાના?
પુત્રને લઈને શેઠ પણ રડતો ઘેર પહોંચ્યો અને ધૂર્ત વેશ્યાને ઘરે ગયો.
દાસી મુખેથી ધૂર્તની વાત સાંભળી પદ્માવતીને કહેવા લાગી-ચિત્રપટમાં રહેલાં ચિત્ર ઉપર સ્નેહ ધરશો નહીં.
આ પ્રમાણે દાસી રાજકુંવરીને સમજાવતી, વાત વિનોદ કરતી. આ ત્રીજા ખંડની પાંચમી ઢાળ પૂર્ણ કરતાં વીરવિજયજી કહે છે કે હવે પદ્માવતી શું કહેશે? તે સાંભળવા તમે સૌ કોઈ ઉત્સુક રહો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२०८