________________
છતાં ગુણાવળીમાં લુબ્ધ બનેલો શેઠ ઝાંઝર લેવા જવા તૈયાર થયો. ધન કહેવા લાગ્યો - ગુણાવળી! તું અહીં જ બેસજે હું ઝાંઝર લઈને જલ્દીથી આવું છું ને ત્યાંથી ઊતાવળો ગામ તરફ ચાલ્યો.
ધનથી ભરેલા કોથળા સાંઢણી ઉપર હતા. તે ગુણાવળી પણ સાંઢણી ઉપર બેઠી હતી. શેઠની પૂંઠ દેખાતી બંધ થતાંની સાથે જ ગુણાવળી સાંઢણીને આગળ દોડાવી દીધી.
મધરાતે ભરજંગલમાં જતી ગુણાવળીને વળી ચોર મળ્યો. ચોરે હાક મારી. ગુણાવળીએ સાંઢણીને ઊભી રાખી. ચોર આવીને સામે ઊભો. માલ ભરેલી સાંઢણી જોઈ ચોર હરખાયો. પણ સાંઢણી અને સવાર ને જોતાં સ્તબ્ધ થઈ ગયો. હવે તેને માલની સામે નજર નથી. ગુણાવળી સામે જોતાં જ વિચારવા લાગ્યો. માલ સાથે સ્ત્રી મળી છે. દુધ દેખી બિલાડો હરખાય તેમ આ ચોર હરખાયો. ગુણાવળીના રૂપ જોતાં ચોર કામબાણથી વિંધાયો. માલ સામેની દ્રષ્ટિ હવે રૂપસુંદરીના રૂપ સામે મંડાણી.
ચોર બોલ્યો - હે વનદેવી ! આજે તો મને માલ સારો મળ્યો છે. હું ચોર છું તારા માલને હાથ લગાડીશ નહીં. પણ.. પણ.. આટલું બોલતા ચોરની જીભ થોડી થોથવાઈ. રૂપ જોવામાં, રૂપ પીવામાં પડી ગયો.
ગુણાવળી સમજી ગઈ. એકથી છટકી તો બીજો ભટકાયો. અહીં પણ ફસાઈ ગઈ છું. મારા શીલના રક્ષણ માટે યુકિત કરવી પડશે. ચોરને કહેવા લાગી,
ગુણાવળી - હે રાજકુમાર ! આ સાંઢણી ઉપર બેસીને મારે આગળ જવા માટે આ રસ્તેથી નીકળી છું. પણ તમે રસ્તામાં મળી ગયા. મારા ધનભાગ કે સથવારો મળ્યો.
ચોર વિચારવા લાગ્યો. રૂપ છે તેટલી બોલવામાં પણ છે. વળી બોલ્યો - હે પહ્મણી ! મને પણ તારો સાથ ગમશે. લાવ હું લગામ પકડીને માર્ગે ચાલું તું નિરાંતે બેસ.
ગુણાવળીએ વિચાર્યુ મીઠાં શબ્દો સાથે વાત કરતાં કરતાં જંગલ વિતાવી દઉં. તો બેડો પાર. પછી તો ગુણાવળી ચોરની સાથે વાતોએ ચડી. ચોરને પણ વાતો સાંભળવામાં મઝા પડી.
ગુણાવળી - પરદેશી ! આજે મારી ભાગ્ય દશા જાગી. આજે તો મારા મનની ઈચ્છા પુરી થઈ છે.
ચોર - હે રૂપવતી ! હું તો હંમેશાં ચોરી કરું છું. પણ આજે તને જોતાં મારી ચોરી કરવાની આદત ભૂલી ગયો. મારે તો આજે ચાર ચાર ચાંદ ખીલ્યા છે. આજે મારી ઈચ્છા તારે પૂરી કરવી પડશે. અને ઈચ્છા પૂરી કરવા તું મને જે કહે તે કરવા હું તારો સેવક બની બધું કરવા તૈયાર છું. પણ મને નિરાશ ન કરતી.
ગુણાવળી - હે સજ્જન ! (સારા શબ્દોથી નવાજે છે.) તમને નિરાશ શા માટે કરું? હું તો તમારી છું આ મારી પાસે હીરા, મોતી, માણેક આદિ ઝવેરાત જે છે તે પણ તમારું છે. તમને જોતાં મને તો તમારી પર પ્રીત થઈ ગઈ છે. હવે હું તો તમારી જ છું. હું તમને છોડીને કયાંય જવાની નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૯