________________
જિનભક્ત યક્ષદેવ
-: ઢાળ-૮ :
ભાવાર્થ :
સંતાઈ ગયેલા કુમાર કૌતુક જોવા ઉત્સુક બન્યા છે તે ટાણે સરોવરના પાણીમાંથી એક રૂપાળી સ્ત્રી નિકળતી જોઈ. સુંદર સ્વરૂપવાન, તેજ થકી ઝાકઝમાળ, વળી તેનો દેહ પણ સુંદર ઝગારા મારતો હતો. વસ્ત્રો અને આભૂષણોથી તેનો દેહ ઢાંકેલો હતો. તે સ્ત્રીને જોઈ કુમાર વિચારવા લાગ્યો. સરોવરમાંથી નીકળી તો આ સાગરપુત્રી તો નથી ને ? વા વિદ્યાધર કન્યા હશે? શું આ સિધ્ધ પુરુષની સ્ત્રી હશે? શું ઈન્દ્રની અપ્સરા હશે ? શું આ વનની દેવી હશે? કે જે સ્ત્રી સારા લક્ષણોથી શોભતી હતી. આ કન્યા કોણ હશે? તેના નયન કટાક્ષો તો કુમારના હૈયામાં ઊતરી ગયા.
કુમાર તો આ કન્યાને જોવામાં લીન હતો. ત્યાં તો તે કન્યાની પાછળ, તે જળમાંથી બીજી કન્યા નીકળી. બંને કન્યાના હાથમાં પૂજાપાની થાળીઓ હતી. બંને સાથે યક્ષરાજના મંદિરે આવી. મંદિરમાં જતાં જ બંનેએ હાથ જોડી યક્ષરાજને પ્રણામ કર્યા.
બંને સખીઓએ શણગાર સજ્યા હતા. મલપતા મલપતી મંદિરના ગર્ભગૃહે જઈ ઊભી. ત્યાં તો નજરે પ્રભુને અને યક્ષને જોતાં એકબીજાને કહેવા લાગી - સખી ! કોઈ અહીં આવ્યું છે. તેણે પ્રભુની પૂજા કરીને સુંદર તાજુ મઝાનું કમળ પણ ચડાવ્યું છે. સખી ! અહીં કોણ આવ્યું હશે?
સખી - હે સાહેલી ! અહીં તો બીજુ કોણે આવે? પરંતુ આ જંગલમાં રહેતા ભીલ અને ભીલડી કદાચ આવી ગયાં હોય અને તેઓએ પૂજા કરી હોય.
કન્યા - રે સખી ! આ પૂજા બતાવે છે કે ભીલની કરેલી નથી. કોઈ નરપુંગવ કે દેવની કરેલી આ પૂજા છે. જિનેશ્વર પરમાત્મા જેના હૈયામાં વસ્યા હશે એવા કોઈ ઉત્તમ પુપે કરી છે. સખી! બહાર જો ભૂમિ ઉપર આવનારના પગની પગલીઓ શ્રેણીબધ્ધ પડી છે. આ પગલાંમાં તો લક્ષણોથી લક્ષિત - શંખ - કમળ - અંકુશના ચિહ્નોની રેખા દેખાય છે.
વાત કરતાં પૂજા ભૂલીને બહાર આવી જોવા લાગી. તરત જ બંનેને પરમાત્મા યાદ આવતાં મંદિરમાં આવી. સોનાના કળશે સુગંધિત જળ વડે જિનદેવને નવરાવ્યા. પછી પ્રેમપૂર્વક પૂજા કરી. ત્યારપછી રંગમંડપમાં બંને સખીઓ આવી. અંગપૂજા અગ્રપૂજા કરી. હવે તેમાંથી એક જણીએ વિણા લીધી. ભાવપૂજામાં ભાવવિભોર બની પરમાત્માના ગુણ ગાવા ચૈત્યવંદન કર્યું. ને સ્તવન આવતાં મધુર કંઠે સુંદર આલાપે. વીણાના સૂર સાથે અવિહડ ભકિત કરી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૨૩