________________
બંને મિત્રો વાતો કરવામાં તલ્લીન બની ગયા. ભયંકર ઘોર અંધકાર છવાયો હોવા છતાં નિર્ભય બને મિત્રોને વાતાવરણની કોઈ જ અસર દેખાતી ન હતી. રાત્રિના બે પ્રહર પુરા થવા આવ્યા હતા. રત્નસાર નિદ્રાદેવીને ખોળે ઢળી ગયો. રાજકુમારની નિંદરણીએ રીસામણાં લીધા હતાં. તે તો જાગતા સ્વપ્નો જોતો હતો. મંત્રીપુત્ર ઘસઘસાટ ઊંઘતો હતો. કુમાર તો પદ્માવતીના વિચારોમાં ખોવાઈ ગયો હતો. પછી નિંદ કયાંથી આવે?
મધ્યરાત્રિ જામી હતી. તે વેળાએ મંદિરના આંગણે મોટો કોલાહલ થયો. ગગનાંગણેથી ઊતરતાં દેવદેવીઓને કુમારે જોયા. મંદિરના દ્વાર ઉઘાડા હતા. ભૂત, વન્તર, વેતાળ કિન્નરો અને બીજા પણ યક્ષ દેવો પોત પોતાના પરિવાર સાથે અહીં આવી મેળો જમાવ્યો હતો. દર મહિને વદની ચૌદશની (છેલ્લે દિવસે) રાત્રિએ સહુ ભેગા થતા હતા. આજે ભેળા થવાની, મહિનાનો આખરી દિવસ, ચૌદશ હતી. તેથી સહુ ભેગા થઈને વિવિધ પ્રકારના નાટકો કરતા હતા. કોઈ વીણા વગાડતા, કોઈ મૃદંગનો તાલ મેળવતા હતા. કોઈ મધુર કંઠે મનગમતા મનોહર ગીતો ગાતા હતા. આ મેળાવડામાં ધનંજય યક્ષરાજ વડો હતા. તેનું પોતાનું આ મંદિર હતું. આ યક્ષરાજનું મંદિર સંગીત મેળાવડામાં સહુ તન્મય બની આનંદની લહાણી લૂંટતા. કાનને પ્રિય એવા સંગીતના સુરો અને ગીતો કુમારનાં કાને અથડાયા. કુમાર સફાળો બેઠો થઈ ગયો. સંગીતના સૂર સાંભળી ત્યાં જવા તૈયાર થયો. આશ્ચર્ય તો ઉત્પન્ન થયું કે મધરાત્રે મંદિરમાં કોણ ભકિત કરવા આવ્યું હશે?
આશ્ચર્યને સમાવવા કૌતુકને જોવાં પોતાની સમશેર તલવાર સંભાળી લીધી. હાથમાં તલવાર લઈ કૌતુક જોવા માટે ઊભો થયો મિત્ર રત્નસાર ભરનિંદરમાં હતો. જગાડ્યા વિના એકલોજ કુમાર મંદિર તરફ ચાલ્યો. ધૈર્યને ધારણ કરતો કુમાર મંદિરના દ્વારે જઈ ઊભો. મંદિરમાં ચાલી રહેલા દેવી નાટકો ગીતો સંગીતના સૂરો જોતાં અને સાંભળતાં આનંદ પામ્યો. ભકિતમાં તરબોળ થયેલા આ દેવવંદમાંથી કોઈને પણ તારે ઊભેલા કુમારને જોવાની ફુરસદ ન હતી.
સાહસિક કુમાર તલવારની પકડ વધુ મજબૂત કરી વ્યંતર ભૂતડા કિન્નરોના ટોળા મધ્યે જઈ બેઠો અણધાર્યા આવેલા આગંતુકને જોતાં દેવો સહુ વિસ્મય પામ્યા. કુમારનું અદ્ભત રૂપ જોતાં, સહુ વિચારવા લાગ્યા, અહા ! આ તેજસ્વી સ્વરૂપવાન કોણ હશે? માંહોમાંહે વાતો કરવા લાગ્યા સંગીત, નૃત્ય, ગીત વગેરે ગાતા સહુ થંભી ગયા. આગંતુકના રૂપને જોતાં જોતાં પૂછવા લાગ્યા. આ કોણ છે? અભૂત સ્વરૂપવાન કોણ હશે?
યક્ષરાજ ધનંજય એ આ મંદિરનો અધિષ્ઠાતા હતો. એ સહુના સંશય ટાળતો બોલ્યો - હે સુરવૃંદ! તમે સહુ સાંભળો ! જેને જોઈ તમે સહુ કોઈ આશ્ચર્ય પામ્યા છો તે આપણા સહુનો પરોણો છે. અતિથિ આંગણે આવ્યો છે મિત્ર સહિત મહેમાન પધાર્યા છે. આપણે સહુ એ પરોણાગત કરવી જોઈએ. તેમની ભકિતમાં ખામી રાખવી નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૯૬