________________
પ્રવેશ કરી નગરની શોભા જોતાં બંને મિત્રો રાજમાર્ગે થઈ આગળ વધ્યા. બજારોની શ્રેણી નગરજનોની શેરીઓ મંદિરો, આદિ જોતાં જોતાં બંને મિત્રો નગરના મધ્યભાગમાં ચૌટા વચ્ચે પહોંચ્યા. બંને પરદેશી, નગરના અજાણ્યા હોવા છતાં નિરાંતે નગરમાં ફરી રહયા છે. હાટ, હવેલી, બજારો, જોતાં ચૌટાના ખુણાની એક તરફ ઊભા ઊભા જતાં આવતાં લોકોને જોઈ રહ્યા છે.
તે અવસરે નગરના રાજસેવકો રાજાના આદેશથી પડહ વજડાવી ઉધોષણા કરતાં હતાં તે ચિત્રસેનના જોવામાં આવ્યો. મિત્રને લઈને પડહ વજડાવતા સેવકો નજીક આવીને ઊભો. રત્નસારે સેવકને પૂછયું - આ પડહ વગાડી રાજાની શી આજ્ઞા છે? તે જણાવો.
સેવક - પરદેશી લાગો છો? રત્નસાર - હા !
સેવક - તો સાંભળો અમારા રાજાને એકની એક કુંવરી છે. તે કોઈપણ પુરુષ દેખે તો તેને જોવા માંગતી નથી. પુરુષàષિણી થઈ ચુકી છે તો, જે કોઈ દક્ષ ડાહ્યો હોય અને મારી કુંવરીને સમજાવી તેના મનમાંથી પુરુષ પરના દ્વેષભાવને દૂર કરશે તે પુરુષને કન્યા પરણાવશે અને અડધું રાજ પણ આપશે. જે બીડું ઝડપે અને કાર્ય સિદ્ધ કરશે તે જગમાં સારો યશ મેળવશે. વળી પોતાના મનની ઈચ્છાઓ પણ પૂરી થશે.
હે પરદેશી ! મારો આ ઢંઢેરો સારાયે નગરજનો સહુ સાંભળે છે પણ કોઈ હજુ સુધી પડહ ઝીલવા તૈયાર નથી. રાજઆજ્ઞાએ રોજ સવારે હું નગરમાં ફરીને આ વાતને ઢંઢેરો ફેરવું છું. વળી, નગરમાં ફરીને રાજદરબારે પાછો જાઉં છું. જ્યારે રાજા વાત જાણે કે હજુ કેઈ આ વાત માટે તૈયાર થયો નથી. તેથી રાજા શોકાતુર થઈ જાય છે.
સેવકની વાત સાંભળી કુમારે રત્નસાર સામે જોયું વળી વાત કરવા લાગ્યો. જ્ઞાની ભગવંતનું વચન પણ યાદ કરાવ્યું. કોઈ નગરજનને પૂછી, બંને મિત્રો ચિત્રકારને ઘેર પહોચ્યાં. ચિત્રકાર મળી ગયો. પોતાના મનની વાત કહી જે ચિત્ર દોરવું છે. તે એક જ પાટિયા પર આલેખવાની વાત કરી. ચિત્રમાં વન, સરોવર, કલરવ કરતાં પંખી મેળો, વડલા ઉપર પંખીઓનો માળો તે માળાઓની વચ્ચે એક હંસ હંસી પોતાના બંને કુમળા બચ્ચાં સાથે પોતાનાં માળામાં બેઠા છે. ચિત્રમાં આ રીતે આલેખવાનું કામ ચાલુ કર્યું. ચિત્રકારને ત્યાં રહીને ચિત્ર તૈયાર કરાવવા લાગ્યા. વળી ચિત્રમાં આ વનમાં ચારે તરફ દાવાનળ સળગી રહયો છે, અને જ્યાં
ત્યાં પક્ષીઓ અગ્નિથી બચવા ચોતરફ ઊડવા લાગ્યાં. હંસી પોતાના બચ્ચાં પાસે બેઠી છે હંસ ત્યાંથી ઊડીને નજીકમાં રહેલા સરોવરે પાણી લેવા ગયો. આગે વડલાને ઘેરી લીધો. હંસી તેના બચ્ચાં સાથે આગમાં હોમાઈ ગઈ. જુદાં જુદાં ચિત્રો એકજ પાટિયા પર આલેખાતાં હતાં. વળી સરોવરથી હંસ ઊડી પાણી લઈને સળગી રહેલા વડલા પાસે આવ્યો. પત્ની પરિવાર ન જોતાં હંસે પણ આગમાં ઝંપલાવી દીધું.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૧૯૮