________________
ત્રિલોચના દેવી લગ્નમાં હાજર જ હતી. પરણી ઊતરેલ વરઘોડિયાને બંને રાજાએ ઘણું દાનમાં આપ્યું. વળી જમાઈરાજાને હાથી ઘોડા - સોના રૂપું અને ઘણાં ગામો પણ દાયકામાં આપ્યાં.
ત્યારપછી કુમારે ત્રિલોચના દેવીને વિસર્જન કર્યા. સાથે જે વ્યંતરીનું ચીર પોતાના હાથમાં આવી ગયું હતુ તે ચીર ત્રિલોચનાને આપતાં કુંવર કહેવા લાગ્યો, “હે દેવી ! તમે આ ચીર-વસ્ત્ર રતિસુંદરીને આપજો. અને અમારા સમાચાર કહેજો.”
દેવી તે વસ્ત્ર લઈને ત્યાંથી તરત રતિસુંદરીને આપીને પોતાના સ્થાને ચાલી ગઈ. જયારે આ બાજુ કુમાર સાક્ષાત્ કામદેવ જેવા શોભતા હતા. અને બંને સ્ત્રીઓ રતિ પ્રીતિથી અધિક શોભતી હતી. કામદેવની જેમ રતિપ્રીતિ સાથે આનંદ પ્રમોદ કરતા દૈવી ભોગો ભોગવતા કુમાર ઘણા પ્રકારે સુખને ભોગવે છે.
આ પ્રમાણે બીજા ખંડને વિષે આ અગિયારમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજની વાણી એવી મીઠી છે કે સાંભળનાર સજ્જનના તથા ચતુરના ચિત્તને ગમી ગઈ.
-: કળશ :
શેરડીના ટુકડા જેમ મીઠા હોય છે તેમાંય વળી એક ખાતાં, બીજો ખાતાં વધારેને વધારે મીઠો લાગે છે. તે રીતે શ્રી ચંદ્રશેખર રાજાનું અખંડ ચરિત્ર સૌને મીઠું લાગે છે. શ્રી શુભવિજયજી ગુરુની અસીમ કૃપાથી આ બીજો ખંડ મધુર કથાથી તેમના શિષ્યશ્રી વીરવિજયજી મહારાજે પૂર્ણ કર્યો.
-: ખંડ બીજે -
- સમાપ્ત -
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૫૮