________________
ગઘેડો-દુર્ગાપક્ષી-ચકલી ડાબે બોલે, ઘુવડ કાગડો શિયાળ તેત્તર સવારે ડાબે બોલે, બપોર પછી જમણે બોલે તો, વધારે સારું કહેવાય. ચીબરી - વાંદરો જમણી બાજુ બોલે તો સારા કહેવાય. મૃગલાં સવારે ડાબી બાજુથી જાય સાંજે જમણી બાજુએથી જાય તો, એક છીંક થાય તો, કૂતરુ કાનને ખંજવાળે, તો સામે ધાન્ય ન મળે. અર્થાત્ ખાવા ન મળે એવા અપશુકન થાય.
વળી, એક ક્ષુદ્ર, બે વેશ્યા, નવ સ્ત્રી, ચાર ક્ષત્રિય, ત્રણ બ્રાહ્મણ, જો ભેગા થઈને ગામ જાય તો ફરી પોતાના ગામ પાછા આવતા નથી. પોતાનું ઘર જોવા પામતા નથી.
શુભ શુકન થતાં જોઈને બન્ને મિત્રો આનંદથી પોતાના નગરથી નીકળી પરદેશની વાટને જોતાં ચાલ્યા. ગિરિ વન કંદરા નદી વગેરે જોતાં ને ઉલ્લંઘન કરતા ચાલ્યા જતાં બંને મિત્રો એક મહાટવીમાં પહોંચ્યા, મહાટવીમાં ચાલતાં ચાલતાં સાંજ પડી.
સંધ્યા સમયે કોઈ એક ઘટાદાર વૃક્ષ નીચે રાત પસાર કરવા માટે બેઠા.અતિશય થાકને કારણે રાજકુમાર નિદ્રાધીન થઈ ગયો. મંત્રીપુત્ર રત્નસાર મિત્રની રક્ષા કરતો સારી રાત જાગતો બેઠો. પોતે પણ થાકેલો હતો તેથી તેને પણ એક ઝોકું આવી ગયું. વળી સજાગ થઈને હાથમાં ખુલ્લી તરવારે ઊભો થઈ કુમારને ફરતે પ્રદક્ષિણા દેતો ફરી રહ્યો છે.
રાત જામી હતી. મધરાત થઈ હશે ત્યાં જાગતાં એવા રત્નસારના કાને મધુર આલાપ સાથે ગવાતા ગીતનો અવાજ સંભળાયો. મનોહર ગીતનાં શબ્દોએ મન ત્યાં જવા આકર્ષાયું, મિત્રને મૂકીને ન જવાય.તેમ ગીત સાંભળ્યા વિના રહેવાય નહિ.
શબ્દ પૂતળી મંત્રીપુત્રે કુમારને જગાડ્યો. સુંદર સંભળાતા ગીતની વાત કરી. મીઠા અવાજે ગવાતા ગીતને સાંભળી કુમાર તે તરફ જવા પ્રેરાયો. મિત્ર રત્નસારને કહેવા લાગ્યો - હે મિત્ર! તું અહીં થોભી જા ! હું તે ગવાતું દેવગીત સાંભળીને આવું છું. રત્નસાર - કુમાર ! આ મહાટવીમાં વળી તેમાં મધરાતે આપને એકલા જવા નહીં દઉં. કુમાર - રે રત્નસાર ! આ રાત્રિમાં શું મને ડર લાગે છે? ના મિત્ર ના! મને જરાયે ભય લાગતો નથી. રત્નસાર - કુમાર ! ક્ષત્રિયવંશી હંમેશા નિર્ભય હોય છે. છતાં પણ એકથી બે ભલા આપણે બંને સાથે જઈએ.
ત્યાંથી બંને મિત્રો અવાજ આવતો હતો તે દિશામાં ચાલ્યા. થોડું ચાલ્યા ત્યાં તો એક મનોહર જિન પ્રાસાદ જોવામાં આવ્યો. તેમાંથી ગીત, સંગીત વાજિંત્રનો અવાજ આવતો હતો. દેવ દેવીઓ વિવિધ પ્રકારે નાટક ગીત કરતા પરમાત્માની ભકિત કરતા હતા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)