________________
મંત્રીપુત્ર રત્નસારની વાત સાંભળી રાજકુમાર ચિત્રસેન ઘણો ઉત્સાહમાં આવી ગયો. ત્યારપછી ત્યાંથી બંને આગળ ચાલ્યા. ચાલતાં કુમારે રત્નસારને પૂતળી વિષે કંઈક ચિત્રવિચિત્ર પ્રશ્નો પૂછી નાખ્યાં. રત્નસાર પણ કુમારને સાંત્વન આપતો જવાબ દેતાં માર્ગ કાપી રહ્યો છે. આખો દિવસ ચાલ્યા. સાંજ પડવા આવી. કોઈ વૃક્ષ નીચે રાતવાસો રહેવાનો નિર્ધાર કરી તપાસ કરી રહ્યા છે. તેવામાં તે વનખંડમાં બંને મિત્રોએ દૂર દૂર વડલાની શીતળ છાયામાં નિગ્રંથ મહામુનિને જોયા. ને આનંદ પામ્યા.
મુનિભગવંત પણ ત્યાં રાત રહૃાા થતાં આરાધનામાં લીન હતાં. મુનિભગવંત ચાર જ્ઞાનના ધણી હતા. મુનિને જોતાં બંને મિત્રો મુનિની પાસે પહોંચી ગયા. મુનીશ્વરને વિધિવત્ વંદન કરી, શાતા પૂછી યોગ્ય સ્થાને બેઠા. ધર્મ સાંભળવાની ઈચ્છા દર્શાવી. દયાસાગર મુનિભગવંતે પણ યોગ્ય જીવ જાણી પરમ હિતકારી ધર્મદેશના આપી.
દેશના ને અંતે મંત્રીપુત્ર રત્નસારે વિનયપૂર્વક બે હાથ જોડી પૂછયું - હે મુનિભગવંત ! આ મહાટવીમાં જિનમંદિરના રંગમંડપને વિષે રહેલી પૂતળી કોણે બનાવી છે? અનુમાનથી બનાવેલી આ કોઈ સ્વરૂપવાન કન્યા છે? જો હોય તો કૃપા કરી અમને કહો.
જ્ઞાની ગુરુભગવંતે ભવ્ય જીવ જાણી (તે પૂતળી સાથે આ રાજકુમારના પૂર્વાનુઋણી સંબંધ જોઈ તથા તે બંને જીવો ઉત્તમ ને ચરમશરીરી જાણી) કહે છે - હે મહાનુભાવ! તમે જિનમંદિરમાં અલૌકિક પૂતળી જે જોઈ તે એક રાજકન્યાની છે. જે આ ભરતક્ષેત્રમાં અતિ સોહામણું એવું એક કંચનપુર નામે નગર છે. જગતનો સર્જનહાર જેમ બ્રહ્મા કહેવાય છે. તેમ આ પૂતળીનો સર્જનહાર ગુણદત્ત સુતાર આ નગરમાં વસતો હતો. ગુણદત્તને શીલ સદાચારથી શોભતી ગુણશ્રી નામે સ્ત્રી હતી. સંસારનાં સુખ ભોગવતાં ગુણદત્તને પાંચ પુત્રની પ્રાપ્તિ થઈ. જેમાં સૌથી નાનો પુત્ર નામથી સાગર હતો. બાલ્યવયથી જૈનધર્મનો અનુરાગી હતો. પુરુષની કહેવાતી બધી જ કળાઓએ સાગરમાં આવીને વાસ કર્યો છે. વળી આ સાગર પુત્રને તેના ચિત્તને હરણ કરીને અનુસરનારી તથા પતિવ્રતને ધારણ કરનારી વિવેકી એવી સત્યવતી નામે સ્ત્રી હતી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૭૯