________________
પરદેશી - હે મહારાજા ! આશ્ચર્ય એક જોયું. કનકપુર નામે નગર, જયાં જિતારી નામે રાજા, તેને રતિસુંદરી નામે રાજપુત્રી છે. તેના રૂપની આગળ રંભા પણ પાણી ભરે. સ્વરૂપવાન રતિસુંદરીને દેવે એક કંચૂકી દીધો. જે પહેરતાં તો તેના રંગ અને રૂપ બંને ઝળકી ઊઠયાં. જેનું તેજ જવા માટે ગ્રહમંડળ આકાશમાં ફેરા ફરી રહ્યાા છે.
રાજાએ વાત સાંભળી. આદર સત્કાર કરી પરદેશીને વિદાય કર્યો. પોતાના મિત્રદેવને બલિ આપીને બોલાવ્યો. બલિ મળતાં જ આનંદ પામેલો તે મિત્રદેવ રાજા પાસે હાજર થયો.
રતિસુંદરીના કંચૂઆની વાત સમજાવીને, તે કંચૂઆનું તું અપહરણ કરી મને લાવી આપ. તે દેવ વાંદરા રૂપે બનીને તે વનમાં તમે જયાં હતા ત્યાં તે નદીના તટે વૃક્ષ ઉપર હુકાહુક કરીને પળવારમાં વસ્ત્રોમાં રહેલો કંચૂઓ ઉપાડી ગયો. પોતાના મિત્ર રાજાની પાસે આવી કંચૂઓ ભેટ ધરી દીધો.
કંચૂઓ જોઈ રાજા તો હરખાયો. વળી દિલમાં વિચારવા લાગ્યો. જો કંચૂઓ આટલો બધો સુંદર છે તો તેને ધારણ કરનાર તો વળી તે સ્ત્રી કેવી હશે? આ તો કોઈ પુણ્યશાળી હોય તો જ મેળવી શકે.
રે ! નીચ રાજાની આગળ શી વાત કરું! જે કહેતાં જીભ ઉપડતી નથી.
કુમાર ! તે રાજાની મતિ બગડી. હવે આ કંચૂઓ જે ધારણ કરે છે તેને પોતાની સ્ત્રી-રાણી બનાવવાની ઈચ્છા થઈ. મારા ભાગ્ય થકી જો તે સ્ત્રી મને મળી જાય. અમારી જોડી યોગ્ય રીતે જામી જાય. હું તેની સાથે ભોગ વિલાસ ભોગવું. નસીબ થકી મળી જાય તો મારો જન્મ પણ સફળ થાય.
નીચ બુધ્ધિવાળા રાજાને સારાસારનું ભાન જ ન હોય. તરત પોતાના મિત્ર દેવને બોલાવ્યો. રાજા - હે મિત્ર ! આ કંચૂઓ ધારણ કરનાર તે સ્ત્રીને, તું અહીં લઈ આવ.
દેવ - હે મહારાજ ! એ તો સતી છે. તે સ્ત્રી અહીં આવે જ નહીં. માટે ખોટી વાત શી કરવી? ફિણિધર સર્પના માથા ઉપરથી મણિ લેવો હજુ સહેલો છે. પણ સતી સ્ત્રી પોતાના શીલને આંચ આવવા ન દે. માટે તમે તેને માટેના ફાંફા મારવા છોડી દો. તેમાં કોઈ લાભ થવાનો નથી.
રાજા - મિત્ર ! એકવાર તું તેને અહીં મારી પાસે હાજર કર. પછી જે થવાનું હશે તે થશે. ખુશીયા મનાવીશ કે પસ્તાવો કરીશ. તારે કયાં જવું છે? તે સાંભળીને, દેવ તો ત્યાંથી ચાલી ગયો. કનકપુર નગરે રતિસુંદરીના મહેલે પહોંચ્યો. રાજમહેલમાં સૂતેલી રતિસુંદરીને શય્યા સાથે લઈ આવ્યો.
નિભંગી અને કુશવધિ એટલે દુષ્ટ બુધ્ધિના ભંડાર એવા રાજા ચિત્રસેન પાસે શય્યા સહિત સૂતેલી (ઉઘતી) રતિસુંદરીને મૂકી ચાલી ગયો.
પનોતિ એટલે સારી સ્ત્રી. શીયળવંતી સ્ત્રીઓ જયાં પણ જાય ત્યાં પોતાના શીયળવ્રતનું પ્રાણના ભોગે પણ રક્ષણ કરે છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)