________________
તમારી બંને પુત્રીઓ રત્ન અને ભૂષણને મારી સંઘાતે મોકલો, તો જ જાઉં, નહિ તો હું તો નહિ જાઉ વળી મને કંચૂક આપો અને તમે પણ યાત્રા કરવા સાથે ચાલો. તમે નહિ આવો તો હું અશન-આહાર-પાણીનો ત્યાગ
કરું છું.
અત્યારે તો સ્ત્રી જે કહે તે પ્રમાણે કામાંધ ચિત્રસેન બધું જ કરવા તૈયાર હતો. કંચૂક લઈ આવી, સુંદરીના ચરણે પગે લાગી, કંચૂક સુંદરીના હાથમાં આપ્યો. અને સાથે યાત્રા કરવા જવા માટે તૈયાર થવા પાછો જાય છે તેટલામાં જ નાના બંને યોગીરાજ બોલ્યા - યાત્રાની બાધાવાળાને જ યાત્રા કરાવીશું. બાકી ખોટા હોય તેને યાત્રા કરવા સાથે નહિ અવાય.
રાજાએ સાંભળીને તરત જ બંને યોગીઓને રાજી કરવા પોતાના ગળામાં રહેલો કોટિમૂલ્ય (જેની કિંમત કરોડ મૂલ્યની છે) બે હાર કાઢીને આપી દીધા. યોગીઓને જે કાર્ય સાધવાનું હતું તે પૂરું થયું. ત્રણેય યોગીઓ અને ત્રણેય સ્ત્રીઓ વિમાનમાં જઈ બેઠા.
રાજા યાત્રા કરવા જવા માટે તૈયાર થવા ગયો. રાજા આવતાં પહેલાં જ વિમાનને ગગને ચઢાવી દીધું ત્યાં ગગનમાં જઈ કહેવા લાગ્યા...
યોગી - હે રાજા ! તથા નગરજનો ! તમે સૌ ભોળા થઈને વાત ભૂલી ન જશો. હું કહું તે તમે સૌ સાંભળો. તમારા રાજાની બંને કન્યાઓનું અમે અપહરણ કર્યું છે. અમે નગર બહાર છીએ. તમે સૌ ત્યાં આવજો. અને રણસંગ્રામ-યુધ્ધ કરીને બંને કન્યાને પાછી મેળવજો. અને તમારા ક્ષાત્રધર્મને સાચવજો.
આકાશમાંથી આવેલ અવાજો સાંભળી નગરમાં અને રાજમહેલમાં મોટો કોલાહલ મચી ગયો. પળનો પણ વિલંબ કર્યા વિના ચિત્રસેન રાજા સૈન્ય લઈને નગર બહાર આવ્યો. યોગીરાજે વિદ્યાથકી સહુને સ્પંભિત કરી દીધા. ત્યાર પછી..
- ચંદ્રકુમાર યોગી, બંને મિત્રો, રતિસુંદરી અને રાજકુંવરીઓને લઈને કનકપુર સાસરે આવી ગયા. તે બે કન્યાને પોતાના બંને મિત્રો સાથે વિવાહ કરીને ઘડિયાં લગ્ન લેઈ પરણાવી દીધી.
આ પ્રમાણે બીજા ખંડને વિષે ચોથી ઢાળ શ્રી શુભવીર વિજયે કહી. હે શ્રોતાજનો ! તમે હોંશિયાર થઈને સાંભળો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)