________________
આપજો. થોડી ઘણી મીઠી મીઠી વાતો પણ કરજો. જે વાત થકી રાજાનું મન રાજી થાય. વળી સમજાવજો કે હે રાજન્ ! હવે મારુ ચિત્ત અહીંયાં ઠર્યુ છે. તમારી રાણી બનીશ. પણ તે પહેલાં મારે યાત્રા કરવાની બાકી છે એ બાધા પૂરી થાય પછી તમે કહેશો તે બધું જ કરીશ. પછી તો હું તમારી જ છું. વગેરે...
બીજે દિવસે સવારે રાજા તૈયાર થઈ રતિસુંદરીના મહેલે આવ્યો. રતિસુંદરીએ તરત જ તેનો આદર સત્કાર કર્યો અને મીઠી મીઠી વાત કરવા લાગી. આ સ્ત્રીના વર્તનથી રાજા મનમાં વિચારવા લાગ્યો. યોગીરાજ પાસે વિધિ વિધાન-ચિટ્ટી વગેરે જે કરાવ્યું તે હવે મને લાગે છે કે જરૂર ફળશે. ગઈકાલની સુંદરી અને આજની સુંદરીમાં કેટલો બધો ફેર પડ્યો. એકવીશ દિવસે લાગે છે કે આ સ્ત્રી મારી બનીને રહેશે. વિચારને અંતે બોલ્યો - હે સુંદરી! આજે મને આનંદ થયો છે. તારા મહેલમાં આવવાથી. તારી જે ઈચ્છા હોય તે કહે. હું તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી આપીશ.
રતિસુંદરી - મારે મેપર્વતની યાત્રા અધૂરી છે. તે મારી ઈચ્છા પૂરી કરો તો પછી અમે તમારી સાથે રહીશું.
રાજા - રે સુંદરી! તારી તે ઈચ્છા પૂરી કરીશ.
આ પ્રમાણે કહી રાજા ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં રાજા વિચાર કરે છે કે આ પણ કાર્ય યોગી વિના પાર પામે તેમ નથી. માટે યોગી પાસે જંગલમાં પહોંચી ને તેઓને વાત કહુ.
વિચારીને રાજા સીધો જ જંગલમાં જયાં યોગીઓ હતા ત્યાં પહોંચી ગયો. યોગીરાજના ચરણે નમીને બેઠો. પછી કહેવા લાગ્યો - હે યોગીરાજ ! અમારી એક આશા અધૂરી રહી જાય છે. તમારા વિના તે આશા પૂરી થાય તેમ નથી.
યોગીરાજ - રાજનું! બોલો! હવે શી આશા છે?
રાજા - હે યોગીરાજ ! તમારી સેવાથી મારી આશા ફળી તે સ્ત્રીએ આજે મારી સાથે સારી રીતે વાત કરી. મને તો જરૂર લાગે છે કે ૨૧ દિન પૂરાં થતાં મારી સઘળી આશાઓ ફળશે. પણ તે સ્ત્રીને એક બાધા છે. મેપર્વતના જિનાલયોની યાત્રા અધૂરી છે. તે પૂરી કરાવો. બસ એ જ છેલ્લી આશા છે.
- યોગીરાજ - તે સ્ત્રીને યાત્રા કરવી છે. હમણાં બે ઘડીમાં યાત્રા કરાવી દઉં. આ પ્રમાણે કહી વિદ્યા બળે કુમાર યોગીએ વિમાન બનાવી દીધું. પછી રાજાને કહે - સહુ વિમાનમાં જઈ બેસો.
રાજા તરત જ રતિસુંદરીને બોલાવી લાવ્યો. પછી કહેવા લાગ્યો - હે સુંદરી ! યાત્રાની બાધા આજે તારી પૂરી કરી આપીશ. આ વિમાનમાં જઈ બેસો.
સુંદરી - રાજનું! આ અવધૂત યોગીઓ અજાણ્યા છે. તો તેમની સાથે હું એકલી શી રીતે જાઉં?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)