________________
- દુહા :ભાવાર્થ :
કુમાર કનકપુર નગરે જિતારી રાજા શ્વસુરગૃહે આનંદથી રહેલા છે. બંને મિત્રો પણ કુમારની પડખે રહ્યા છે. એકદા કુમારે બંને મિત્રોને બોલાવ્યા. મિત્રો બંને આવી ઊભા.
કુમાર - મિત્રો! હવે તમે સૌ તમારા દેશમાં પધારો. માતાપિતાએ તમને મોકલ્યા છે. તે આપણી રાહ જોતાં હશે. અને આપણા સમાચાર ન મળતાં દુઃખી થતાં હશે.
જુઓ ! તે મારા માતપિતાએ, મારી ખબર કાઢવા માટે તમને મોકલ્યા છે. હવે તમે ત્યાં પહોંચી જાવ. અમારી ખબરની વાતો બધી જ કરજો. દીકરો સુખી છે. હજુ દેશ દેશાંતર જોવાના બાકી છે. તે સઘળું જોઈ, ઘણી બધી રિધ્ધિ-સિધ્ધિ અને રાજરમણીઓ તથા રાજપરિવાર વગેરે લઈને આવશે. જે સમાચાર તમે તેઓને કહેશો, તે સાંભળી સહુ કોઈને આનંદ થશે. અને સુખી પણ થશે.
આ પ્રમાણે કહી તેઓને જવા માટેની તૈયારી થવા લાગી. કુમારે તેઓને ઘણું ધન આપ્યું. વળી બંનેની સ્ત્રીઓને કોટિમૂલ્ય હાર, રત્નો અને ભૂષણો આપ્યાં. ત્યારપછી એક વિમાન રચીને, તેમાં સઘળા પરિવારને બેસાડી કાશી દેશમાં ગંગા નદીના કિનારે સહુને ઊતારી દીધાં. પ્રભાત થતાં કુમાર ત્યાંથી પગપાળા વળી વનગિરિ વગેરે જોતાં આગળ ચાલ્યો.
રતિસુંદરીને તેના પિયરે મૂકી દીધી. એકાકી રાજકુમાર સિંહની જેમ મલપતો, ચાલ્યો જાય છે. જતાં જતાં વન ઓળંગી એક સુંદર ગામની નજીક પહોંચ્યો.
ગામમાં ન જતાં ગામ બહાર વનખંડમાં રહેલા એક યક્ષના મંદિરે જઈ બેઠો. સંધ્યા ઢળવા આવી હતી. ફળફળાદિથી ભૂખને શાંત કરી ત્યાં જ રાત્રિએ રહો. અરિહંત પ્રભુનું ધ્યાન ધરતો કુમાર યક્ષાલયમાં સૂતો. ઘડી બે ઘડી રાત્રિ પસાર થઈ હશે ત્યાં કુમારે કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો. પરગજુ કુમાર તરત જ બેઠો થઈને કંઈક વિચારવા લાગ્યો. આ જંગલમાં ઘોર અંધારી રાતે સ્ત્રી શા માટે રડતી હશે? જરૂર આ બાઈ દુઃખી હશે. આ બાઈ કોણ હશે? જે હોય તે દુઃખીના દુઃખ દૂર કરવા તે ક્ષત્રિયનો ધર્મ છે. એમ ચિંતી તરત જ ત્યાંથી ઊભો થયો. જે દિશામાંથી અવાજ આવતો હતો ત્યાં પહોંચ્યો. જયાં સ્ત્રી રડતી હતી તે ભયાનક એક સ્મશાન હતું. ત્યાં રડતી નાર સુંદર અને સોહામણી હતી. ત્યાં જઈને ઊભો.
(શ્રી ચંદ્રશેખર રાજનો રાસ)
૯૮