________________
કુમાર સાથે છેતરામણી અને શંખચૂડની સાથે ભેટો
-: ઢળ-૫ :
ભાવાર્થ :
સાહસિક કુમાર ભયંકર સ્મશાનમાં ઊભો છે. તે કુમારની પાસે બુધ્ધિ-ધર્મ એ બંનેનું બળ ઘણું છે. વળી સાથે ઉદ્યમ અને પરાક્રમ પણ વિશેષ છે. તે કારણે કરીને દુષ્ટ દેવો પણ કુમાર પાસે આવી શકતા નથી. કરુણાભંડાર શ્રી ચંદ્રકુમારે સ્વરૂપવાન કન્યા જોઈ. તે કન્યાએ આભૂષણો તથા દિવ્ય વસ્ત્રો પહેર્યા હતા. અને ભાલમાં મોટું તિલક કર્યું હતું.
આશ્ચર્યયુકત કુમારે પૂછયું રે સુંદરી ! સાંભળ! આ ભયંકર વનમાં એકલી શા માટે રહી છે? વળી તારા કુલની મર્યાદા છોડી, અડધી રાતે ભયંકર વનમાં એકલી શા માટે રડે છે?
સુંદરી - હે લઘુબાળ ! તને કહેવાથી શું વળે? મનની વાત કરતાં, વાત અમારી બહાર પડી જાય, અને દુઃખ અમારું તો ઊભું જ રહે. માટે હે બાળક ! પૂછવું રહેવા દે.
કુમાર - સુંદરી ! નાના કે મોટા બોલવું તે યોગ્ય નથી. પર્વતની શીલા મોટી છે. જયારે રનો નાના છે. છતાં કોની કિંમત વધે? ગામને પાદરે ચારો ચરતી ગાયના ધણને, જે જતી ગાયને જે વાળે તે માલિક કે ગોવાળ કહેવાય. મોટા મોટા પર્વતને ભેદવા વજ જ સમર્થ છે. કોઈનાથીયે ગાંજ્યો ન જાય હાથી, તો તેને વશ કરવા માટે અંકુશની જરૂર હોય છે જે અંકુશ હાથી આગળ સાવ નાનો લાકડી જેવો હોવા છતાં મહાવત હાથીને વશ કરી શકે છે. તેમાં ઝળહળતા ને કામ જેનાથી થાય તે વળી નાના શું ને મોટા શું? જે કામ કરે તે મોટા. ટમટમતો દીવડો નાનો હોવા છતાં ભયંકર અંધકારનું હરણ કરી લે છે.
માટે તે સ્ત્રી ! તારું દુઃખ કહે. જે અમારાથી દૂર કરી શકાય. અને તને પ્રતીતિ થાય. ચૂલા ઉપર રાંધવા મૂકેલો ભાત કાચો છે કે ચડી ગયો છે તેને માટે એક દાણો જ દબાવવો જોઈએ. બધાજ ભાતના દાણા જોવા ન પડે. વળી આકૃતિ થકી સુભટ ઓળખાઈ જાય છે.
કુમારની વાત સાંભળી સ્ત્રી બોલી - હે પરદેશી ! મારી એક વાત સાંભળો. જે આ નજીક નગર રહેલુ છે. તેમાં મારા પતિ સાથે હું રહુ છું. અહીંના રાજાની સેવા મારા પતિ દરરોજ કરે છે તેથી મારો પતિ રાજાની સાથે દરરોજ હોય. કુમાર ! કહેવાય છે કે શસ્ત્ર, સ્ત્રી અને રાજા આ ત્રણેય કદીય સ્થિર હોતાં નથી. ચંચળ મનના પ્રાયઃ કરીને હોય છે. કોઈ ચાડિયાચુગલી કરનાર ચાડિયાએ રાજાની કાનભંભેરણી કરી. તે વાત સાંભળી રાજા મારા સ્વામી ઉપર ઘણા ક્રોધે ભરાયા. તરત જ કોટવાળને બોલાવી, રાજાએ મારા પતિને શૂળીની સજા આપી દીધી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૦૧