________________
નગરને ફરતો કોટ હતો. અરિહંત પરમાત્માનું શરણ લેતાં કુમાર નગરીમાં ફરી રહ્યો છે. ઊંચી હવેલીઓ, નગરજનોના આવાસો. બજારને હાટડીઓ, બધુ જ ખુલ્લુ પડ્યું હતું. શ્રેણીબધ્ધ દુકાનો બંધ હતી. માલ-સામાનથી ભરપૂર કોઈ દુકાનો ધાન્યથી ભરપૂર, કોઈ દુકાનો વસ્ત્રોથી, કોઈ સોના ચાંદીની, કોઈ દુકાનો ઝવેરાતોથી, સાથે પૈસાના ગલ્લા પણ ઉઘાડા પડ્યા હતા.
આ બધુ જોતાં ચંદ્રકુમાર વિચારી રહ્યો છે કે આ નગર સૂનું કેમ હશે? શેરીએ બજારે ચાલતાં રાજમાર્ગ ઉપર આવ્યો. ત્યાંથી આગળ ચાલતાં રાજાનો રાજમહેલ આવ્યો. મહેલમાં પણ શૂન્યતા. મહેલની શોભા, તેમાં રહેલી ચિત્ર વિચિત્ર ચિત્રામણવાળી ભીંતોને જોતાં, સાહસિક કુમાર મહેલના માળ ઉપર ચડવા લાગ્યો. મહેલના માળોની વિશાળ ભૂમિ જોતાં, આશ્ચર્યમુગ્ધ બનતો સોપાનની શ્રેણી ચડતો જાય છે. વિચારોના વમળ મન ચડતું જાય છે. ધન-ધાન્ય ભરપૂર નગર - લોકો વિનાનું.. આવો સુંદર મહેલ. ન રાજા ન તેનો પરિવાર. આ નગરમાં શું થયું હશે?
અનુક્રમે સાતમા માળે પહોંચ્યો. ધૈર્ય અને હિંમત સાથે છે તેથી કુમારને કોઈ જાતનો ભય લાગતો નથી. સુંદર ચિત્રામણથી યુકત વિશાળ ઓરડો જોયો. તે ઓરડામાં સામે જ એક દેવશય્યા સહિત અદ્ભુત સોનાનો ઢોલિયો જોયો. હજુ આગળ જઈને જુએ છે તો ઢોલિયાની નીચે શય્યા ઉપર શ્યામવર્ણી બિલાડી જોઈ. પાસે જતાં કુમારે વળી તે બિલાડીની બાજુમાં રહેલા ઓશીકાની બાજુમાં ટેબલ ઉપર બે ડબ્બી જોઈ. આશ્ચર્યમુગ્ધ કુમારે ડબ્બી ખોલી. તો તેમાં એક ડબ્બીમાં લાલ અંજન, બીજી ડબ્બીમાં સફેદ અંજન જોયું. ડબીની બાજુમાં રહેલી સળી લઈને લાલ અંજન ભરી બિલાડીના બંને આંખમાં ભરી દીધું. પછી સફેદ અંજન લઈ વળી બીજીવાર બંને આંખમાં સફેદ અંજન ભરી દીધું. અંજન ભરતાંની સાથે જ બિલાડીમાંથી રંભા સરખી ૧૬ વર્ષની નવજુવાન કન્યા આળસ મરડીને લજ્જા ધરીને બેઠી થઈ. કુમારને જોતાં જ ત્યાંથી ઊભી થઈને મુખકમળ નીચુ રાખીને કુમારને બેસવા માટે આસન ધર્યું.
કુમાર સામે જોઈ તે કન્યાએ કહ્યાં મહારાજા ! આસન પર બિરાજો. આસન પર બેસતાં જ કુમારે પૂછ્યું - રે! કન્યા ! અહીં આ ઉત્પાત કિશ્યો છે?
કન્યા - હે મહારાજ ! આપ નિરાંતે બેસો. ઉત્પાત શાનો છે? તે સઘળી વાત આપને કહું છું.
ીિ
ીિ ચંદ્રશેખર સારો સાથે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)