________________
આ પ્રમાણે તિરસ્કાર કરીને કાઢી મૂકયો. નિર્લજ્જ તાપસ ત્યાંથી વનમાં ચાલ્યો ગયો. ત્યાં પણ કામાંધ પીડાવા લાગ્યો. કન્યાને કેવી રીતે મેળવવી. એ જ વિચારમાં દુઃખી થવા લાગ્યો.
ઉપાય શોધતાં માળીને ત્યાં જઈ ઘણી બધી જાતના પુષ્પોની છાબડી લઈ, માળણનો વેશ લઈ કુંવરીના મહેલે ગયો. ફૂલોની છાબ હાથમાં હતી. સ્ત્રીનો વેશ હતો. કુંવરીની દાસીઓ આ ધૂતારા નિર્લજ્જ તાપસને ઓળખી ગઈ, મહેલના દ્વારેથી હડધૂત કરી, મૂર્ખ ઉપર ધૂળ નાખી કાઢી મૂકયો.
તો પણ તેને શરમ ન આવી. તપ જપ છોડી દીધા. ખાવા પીવાનું પણ છોડી દીધું. આર્તધ્યાનમાં પડેલો તાપસ એક રાત્રિએ આ રાજકુંવરીના મહેલની પાછળ ચોરની જેમ ચડવા લાગ્યો. જેમ વાંસ ઉપર નટ ચડે તે રીતે ચડી રહ્યો હતો. પણ નસીબનો ફૂટેલો તે તાપસને પહેરો ભરતા રાજાના સેવકોએ જોયો. તરત તેને પકડીને મજબૂત દોરડાએ બાંધી દીધો.
જેમ રાત્રિએ કાગડા દેખતાં નથી, દિવસે ઘુવડ જોઈ શકતા નથી. જયારે કામાંધ માણસો દિવસ કે રાત્રે કયારે જોઈ શકતા નથી.
સવારે રાજદરબારે રાજાની આગળ બાંધેલા તાપસને હાજર કર્યો. ગઈ રાત્રિએ બનેલી બધી વાત સુભટે કહી સંભળાવી. રાજાએ તરત જ તેને શૂળીએ ચડાવવાનો આદેશ આપ્યો. અને તે રીતે તે મરણને શરણ થયો. આર્તધ્યાનમાં મરીને તે તાપસ નીચ જાતિમાં રાક્ષસ તરીકે ઉત્પન્ન થયો. વિભંગજ્ઞાને મને જોઈ લીધી. પળ પળ મને મેળવવા ઉપાય શોધવા લાગ્યો. મારા પરના અતિશય રાગને લઈને નીચ રાક્ષસ અધમ પગલુ ભરવા તૈયાર થયો.
તે જ અવસરે આકાશથકી એક વિદ્યાધર મુનિ ભગવંત જિનમંદિર પાસે ઊતર્યા. મુનિ ભગવંત આવ્યા જાણી રાજા વંદન કરવા માટે જિનાલયની બહાર આવી ઊભો. વિદ્યાધર મુનિ ભગવંત પરમાત્માની ભકિત કરી બહાર આવ્યા. રાજા-પરિવાર-પ્રજાજનો સૌએ મુનિ ભગવંતને વંદન કર્યા. યથાસ્થાને બેસી સૌ મુનિની દેશના સાંભળવા ઉત્સુક થયા.
સૌની ધર્મ જાણવાની જિજ્ઞાસા જોઈ મુનિ ભગવંતે યોગ્ય ધર્મ ઉપદેશ આપ્યો. ધર્મ સાંભળી જિતારી રાજા બે હાથ જોડી મુનિ ભગવંતને પૂછે છે - હે ગુરુદેવ ! મારી રાજપુત્રીનો સ્વામી કોણ થશે ?
મુનિ - હે રાજન્ ! કાશીપતિ મહસેન રાજાના પુત્ર ગુણવાન એવા ચંદ્રશેખર, જે ત્રણ ખંડનો ભોકતા છે. તે જ તારી પુત્રીનો સ્વામી થશે.
પણ.. પણ.. રાજન્ ! સાંભળ ! તારી પુત્રીના મોહમાં પડેલો જે તાપસ, તે મરીને રાક્ષસ થયો છે. આજથી ત્રીજે દિવસે તે રાક્ષસ તારી નગરીમાં રહેલા સર્વને હણી નાખશે. આકાશમાર્ગે જતાં તારી નગરીને સંકટમાં જોતાં તારી તથા પ્રજા ઉપર કરુણા આવતાં હું અહીં નીચે ઊતર્યો અને આ સઘળી વાત જણાવી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૫૫