________________
કુંવરીના વેણ સાંભળી નરપિશાચ રાક્ષસ વધુ ક્રોધે ભરાયો. ક્રોધે ધમધમતો કહેવા લાગ્યો - રે ! હું તને ચાહુ છું તું તારી જાતિના નર-પુરુષને ચાહે છે. તને મારા પ્રત્યે રાગ નથી. તો હું તને જ પહેલે કોળિયે ભક્ષણ કરી જાવું. જે કારણે કરીને મારી રાગદશા ચાલી જાય. આટલું બોલતાં જ રાક્ષસ કુંવરીને મારવા માટે ધાયો.
ઘેયને ધારણ કરીને રહેલો કુમાર તરત જ પ્રગટ થયો. રાક્ષસને પડકાર્યો - રે! અધમ ! તારી શી શી ઈચ્છા છે? જે ઈચ્છાઓને પૂરી કરવા ખોટા ખોટા વલખાં મારી રહ્યો છે ! નિરપરાધી કન્યાને લઈ આવ્યો છે. અને આજે મારવા ઊભો થયો છે ! રે પાપી ! સ્ત્રી હત્યાનો પાપી ! નીચ ! મારી આ તલવાર રૂપી તીર્થમાં સ્નાન કરાવી તને નિર્મળ અને પવિત્ર બનાવી દઉ. અને લોકોની ભાવઠ પણ ભાંગી જાય.
રાક્ષસ તો કુમારને જોઈને વધુ ક્રોધે ભરાયો, ને કુમાર સામે આવવા તૈયાર થયો.
વળી કુમાર કહેવા લાગ્યો - જગતમાં પાપીને હણતાં પાપ લાગતું નથી. પણ પુણ્યનો ઉદય જાગે છે. આ સાંભળી રાક્ષસ ક્રોધે કકળ્યો. રાજકુમારની સામે ઉચા તાડ જેવું રૂપ ધારણ કરીને કુમારને હણવા દોડયો.
તાડ સમાન રાક્ષસને હંફાવવા કુમારે પોતાની પાસે રહેલી જે ખેચરી ચંપકમાલાએ આપેલી તરવાર અને ઢાલ લઈને સામે ધસ્યો. બંને સામસામા આવી ગયા. ભયંકર યુદ્ધ કરતાં જોઈને રતિસુંદરી થર થર ધ્રૂજવા લાગી. કુમારે પણ તે વખતે ત્રિલોચના દેવીનું સ્મરણ કર્યું. ત્રિલોચના દેવી પોતાના પરિવાર-સુભટો લઈને કુમારની સહાયમાં આવી ગઈ. બંનેને લડતાં જોઈ દેવીના સુભટોએ રાક્ષસને આંતરી લીધો. અને ક્ષણવારમાં હણીને શરીરના સો ટુકડા કરી નાખ્યા.
દેવલોક-વ્યંતર નિકાયમાંથી નીકળી મનુષ્ય લોકમાં રખડતો આ રાક્ષસ, દુર્ગતિ જવાના લક્ષણોથી યુકત ત્યાંથી ભાગી છૂટયો. દેવી સુભટોના મારથી શરીરની પીડા વધી. અને કુંવરી ન મળવાથી મનની પીડા વધી. ઘણા કલેશને પામતો લવણ સમુદ્રના તળિયે ચાલ્યો ગયો.
દેવી સુભટો પાછા વળ્યા. કુંવરને આવી કહેવા લાગ્યા કે રાક્ષસને હરાવ્યો તે લવણ સમુદ્રમાં તળિયે ચાલ્યો ગયો. અમે પાછા વળ્યા. હવે ત્રિલોચના કુમારને કહેવા લાગી - હે ધર્મબંધુ! મને યાદ કરી, બોલાવી. ખરેખર ! જગતમાં ધર્મ એ જ મોટી સાચી સગાઈ છે.
- કુમારે દેવીને આદેશ કર્યો. આ નગરના રાજા-પ્રજા-રાજ પરિવાર બધાને પાછા લઈ આવો. શૂન્ય નગરને હવે નિર્ભયનગર બનાવી દ્યો. કુમારના કહેવાથી દેવી નગરજનો, રાજા વગેરેને લઈ આવી. પૂર્વવતું નગર જે પ્રમાણે હતું, તેથી પણ વધારે રળિયામણુ કરી દીધું. કુમારે દેવીને રજા આપી. ત્રિલોચના ત્યાંથી પોતાના સ્થાને રત્નગિરિ આવી ગઈ.
આ તરફ પોતાની પુત્રી રતિસુંદરી મળતાં રાજા-રાણી આદિ પરિવાર આનંદ પામ્યાં. ચંદ્રકુમારે જિતારી રાજાને નમસ્કાર કર્યા. ચરણે લાગ્યો. રાજા પણ કુમારને હૈડાં ભીડી ભેટે છે. બંને યોગ્ય આસને બેસતાં રાજા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)