________________
નિશ્ચય – વ્યવહારની પરસ્પર પૂરકતા
જેને પણ જગતમાં ધર્મ પામવો છે, જીવનમાં ધર્મની સાધના કરવી છે, તેણે પોતાના જીવનમાં નિશ્ચય - વ્યવહાર ગર્ભિત સાધના કરી લેવાની છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આત્મા અને દેહનો સંયોગ આવી મળે છે. તમે એક શુભ વિચાર કરો છો એની ચોક્કસ અસર દેહ ઉપર પડે છે અને આત્મા ઉપર એક અશુભ વિચાર આવે છે એની પણ ચોક્કસ અશુભ અસર દેહ ઉપર પડે છે, તે પ્રમાણે આત્માને કર્મબંધ થાય છે અને કર્મોના ઉદય પ્રમાણે દેહને સુખ-દુઃખ મળે છે. આમ આત્માના વિચારની અસર દેહને થાય છે. આ કર્મફળચેતના છે.
આત્માએ બહારથી વ્યવહારનય સંમત તપ, ત્યાગ, વૈરાગ્યની અંદર રહેવાનું છે અને નિશ્ચયથી પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમાં ઝીલવાનું છે.
નિશ્ચયનયગર્ભિત જીવ, જ્ઞાન – ધ્યાન – સમાધિમાં મગ્ન રહે છે. આ બંને સાધના પરમાત્માના જીવનમાં જોવા મળે છે. દીક્ષા લીધા પછી પ્રભુ ત્યાગ – તપ – વૈરાગ્યની વેદિકા ઉપર આરૂઢ થયા છે ને જીવનમાં ઊંડા ઊતરી ગયેલા ઘાતકર્મના આવરણને દૂર કરી રહ્યા છે. વળી આત્મજાગૃતિના કારણે પ્રભુ પરભાવની અંદર લેશમાત્ર પણ આસક્ત બનતા નથી. પ્રભુને મનોયોગમાં રતિ-અરતિનો સામાન્ય પણ વિકલ્પ થતો નથી.
સ્પર્શેન્દ્રિયનો સૂક્ષ્મતમ વિકાર પણ પ્રભુને સ્પર્શતો નથી. નિશ્ચય અને વ્યવહાર આ બંનેમાંથી એકનો અપલાપ કરનાર મોક્ષ પામી શકતો નથી; અરે સાધના પણ કરી શકતો નથી.
નિશ્ચયનયાભાસી શુદ્ધ ચૈતન્યની રુક્ષ વાતો કરે કે આત્માને ઓળખો, પણ એ નિશ્ચયનયાભાસી પાસે આત્માની દેહ જોડે જે સંલગ્નતા છે તે તોડવા માટેની સાધના કઈ ? તો કંઈ જ નથી.
દેહાસક્તિ છોડવા માટેની ત્યાગાદિ સાધના વિના નિશ્ચય પામી શકાતો નથી. જીવનમાં ધર્મનું અમલીકરણ વ્યવહારની કઠોર સાધના વિના શક્ય નથી. જેણે વ્યવહાર છોડ્યો, તેને મૃત્યુ સમયે બ્લડ કેન્સર વચ્ચે સમાધિ રહેતી નથી. તેઓ ધર્મ ટકાવી શકતા નથી. વ્યવહાર નયનું સૂત્ર છે “દેહદુ:ખ મહાફલમ્'' દેહનું કષ્ટ મહાન ફળને આપનારું છે.
દેહ અને આત્માનો અભેદ એટલો ઊંડો ઊતરી ગયો છે કે બાહ્ય સાધના પરાકાષ્ઠાની ન હોય ત્યાં સુધી નિશ્ચયના સૂત્રનો યથાર્થ તાગ પામી શકાતો નથી.
વ્યવહારની શુદ્ધિ નિશ્ચયદષ્ટિથી છે અને નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારશુદ્ધિથી છે એ ભૂલવું ન જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org