________________
સામર્થ્યયોગ
शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः
शक्त्युरेकाद्विशेषेण सामर्थ्यारव्योऽयमुत्तमः ॥ ५ ॥ સામર્થ્યયોગના ઉપાયો સામાન્યથી જ શાસ્ત્રમાં બતાવ્યા છે. જેમકે સામર્થ્યયોગ એ ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી ઉપરની કક્ષાનો યોગ છે તે ક્ષપકશ્રેણીકાલમાં પ્રાપ્ત થાય છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે દેશોનક્રોડપૂર્વ સુધી ઝોલાં ખાતો કોઈક જીવ આ યોગને પામી શકે છે, આ યોગમાં વીર્ય બધામાંથી ખેંચાઈને એકમાત્ર સ્વરૂપની દિશામાં અત્યંત પિંડીભૂત થયેલું હોય છે. તે વખતે દેહભાન ભુલાઈ ગયેલું હોય છે. બહારથી ક્યારેક ઉપસર્ગ હોય તો પણ અંદરથી તો આત્માનો જ આનંદ લૂંટાતો હોય છે.
આ સામર્થ્યયોગમાં જીવ પાંચ અપૂર્વ વસ્તુ કરે છે. (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) ગુણશ્રેણી (૪) ગુણ સંક્રમ અને (૫) અપૂર્વ સ્થિતિબંધ.
આમ સામાન્યથી શાસ્ત્રમાં સામર્થ્યયોગનું સ્વરૂપ બતાવેલ હોવા છતાં વિશેષ રૂપે તેના ઉપાયો શાસ્ત્રથી બતાવી શકાતા નથી, આનું કારણ એ છે કે સામર્થ્યયોગ એ અતિશય વીર્યના ઊછળવાથી પ્રાપ્ત થનાર છે, તે વખતે શક્તિનું પ્રાબલ્ય અર્થાત્ વીર્યનો ઉત્કર્ષ હોય છે. વીર્ય સ્વરૂપની દિશામાં પિંડીભૂત થયેલું હોવાના કારણે જે ઉત્તરોત્તર વિશુદ્ધ સંયમસ્થાનો અને અધ્યવસાયસ્થાનો પ્રાપ્ત થાય છે તે વાણીનો વિષય બની શકતાં નથી. આ વખતે આત્મા અંદરથી અસંગ બનેલો હોય છે. આમ શક્તિના પ્રાબલ્યથી પ્રાપ્ત થનારો આ સામર્થ્ય નામનો ઉત્તમ યોગ છે.
શાસ્ત્રયોગી જીવનભર અપ્રમત્તતાને ધારણ કરનારા હોય છે. ક્ષમાદિ પરિણતિમાં રમમાણ હોય છે. નિઃસ્પૃહતાથી તેનું હૃદય ભરપૂર હોય છે. મૈત્રી-પ્રમોદાદિભાવોથી તેનું હૃદય પરિપ્લાવિત હોય છે. વળી સૂક્ષ્મબોધના માલિક હોય છે.
શાસ્ત્રયોગ પછી સામર્થ્યયોગ આવે છે. તે અનુભવથી સમજી શકાય તેમ છે. સામર્થ્યયોગ માટે શાસ્ત્ર સામાન્યથી કથન કરી શકે તેમ છે. સર્વ શાસ્ત્રોની પ્રવૃત્તિ અંગુલીનિર્દેશ જ કરે છે. ભવસમુદ્રના પારને તો એક અનુભવ જ પ્રાપ્ત કરાવી શકે છે. જ્ઞાનસારના ર૬મા અનુભવાષ્ટકમાં કહ્યું છે કે
व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येको, ऽनुभवो भववारिधेः ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org