________________
માન મૂકીને મહાન બનો
૨૬૯
કૃતજ્ઞતા ગુણ ઉપર દૃષ્ટાંતઃ ધારો કે થોડે દૂર દસ માળનું મકાન છે; ચોથે માળે પતિ-પત્ની અને એક બાળક રહે છે. ઓચિંતી આગ લાગી. બધા જીવ લઈને નીચે દોડી ગયા. આ દંપતીની ગેરસમજ થઈ. પતિને એમ કે પત્નીએ બાળકને ઘોડિયામાંથી લીધું છે અને પત્નીને એમ કે પતિએ બાળકને લઈ લીધું છે. હકીકતમાં એકેયે લીધેલું નહીં. નીચે આવ્યા પછી વાસ્તવિકતાની ખબર પડી. આગ વધી રહી છે. બેન તો રડી રહી છે. કાગારોળ કરે છે. કોઈ ઉપાય જણાતો નથી. એવું કલ્પાંત કરે છે કે તેને જોઈ પશુઓ પણ રડી પડે. આ દૃશ્ય જોઈ રસ્તામાંથી પસાર થતા બાવીસ વર્ષના એક યુવાને પૂછ્યું, બેન ! શું છે ? તેણે હકીકત કહી. સેકંડના પણ લાખમા ભાગમાં તે ભાઈ કોઈ ટુવાલ વગેરેને ભીનો કરી માથે નાખી દોડ્યો. લીફટની સામેની ખુલ્લી રૂમમાં સુતેલા બાળકને લેવા માટે જ ! સિદ્ધિ સાહસિકને વરે છે” એ ન્યાયે તે દોડ્યો અને ખૂબ સલામતીથી બાળકને સલામત રીતે ઢાંકીને નીચે લઈ આવ્યો, બેનને બાળક સોંપ્યું. બેન તો ખૂબ રાજી થઈ ગઈ. ભાઈને આગની ઝાળોથી થોડું નુકસાન તો જરૂર થયેલ. જરૂરી ઉપચાર કર્યા બાદ ભાઈ જોડે વાત કરે છે. તું કોણ છે ? ક્યાં રહે છે ? તારું નામ શું ? કામ શું ? ત્યારે ભાઈએ કહ્યું કે હું અહીંની નજીકની ઝૂંપડપટ્ટીમાં રહું છું મારું નામ રમેશ છે, હું ખૂની છું, દારૂડિયો છું, જુગારી છું, શક્ય એટલા બધા અવગુણો, વ્યસનો મારામાં છે. હવે અહીં એક પ્રશ્ન છે. આ સાંભળ્યા પછી તે બેનને ભાઈ માટે કૂણી લાગણી હોય કે કઠોર લાગણી હોય ? તે બીજી વાર રસ્તામાં મળે તો સ્મિત કરવું પડે કે સ્મિત થઈ જ જાય ? - સર્વાનુમતે એક જ જવાબ આવશે કે એના ઉપકારના કારણે બેનને હંમેશ માટે softest corner રહેવાની. એને જોતાં સ્વતઃ સ્વાભાવિક સ્મિત આવી જ જવાનું. હા, વિવેક જુદી ચીજ છે. વિવેક એટલે સારાખોટાની પરખ. વિવેકના કારણે પોતાની બેનના લગ્ન તેની જોડે ન કરી શકે, કારણ કે એ માણસ તરીકે સારો નથી. આવા મોટા પહાડ જેવા અવગુણ હોવા છતાં જ્યાં ઉપકારનું દર્શન થાય છે ત્યાં કૃતજ્ઞતા ગુણનો વિકાસ થતાં તેના માટે કોઈ કઠોર લાગણી સ્વપ્નમાં પણ આવતી નથી. આના ઉપરથી એ નક્કી થયું કે જ્યાં ઉપકારનું દર્શન થાય છે ત્યાં દોષોની મહત્તા રહેતી નથી. દોષદર્શન થતું નથી. થાય તો પણ અત્યંત ગૌણ બની જાય છે. આ સમીકરણના આધારે જો તમે તમારું જીવન વિતાવો તો તમારું સાંસારિક જીવન ગુણોની સુગંધથી મઘમઘાયમાન થઈને રહે. દા.ત. સાસુ જોડે બનતું ન હોય તે વખતે તેમના ઉપકારનું દર્શન થઈ જાય તો કૃતજ્ઞતા ગુણની તાકાતથી હવે દોષદર્શન થતું નથી. માત્ર તેમના ગુણો દેખાય છે અને સારા સંબંધો સ્થાપિત થઈ જાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org