________________
આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે
૩૩પ
પહેલી બે દૃષ્ટિમાં અનુષ્ઠાનમાં પ્રીતિ હોતી નથી, ત્રીજી દૃષ્ટિમાં અહીં પ્રીતિ જાગી છે. અનુષ્ઠાન સમયે બોધ ટક્યો છે. માટે પ્રીતિ જાગી છે. આત્માને અનુલક્ષીને અહીં કરવાનું હોય છે. સવાસો ગાથાના સ્તવનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે
અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનમલ તોલે
મમકારાદિક યોગથી એમ જ્ઞાની બોલે !” જે ક્રિયામાં આત્માનો ઉપયોગ, આદર, બહુમાન, પ્રીતિ, ભક્તિ નથી તેવી ક્રિયાઓ શરીરના મેલ તુલ્ય છે. અધ્યાત્મ ન આવ્યું એટલે એવી ક્રિયામાં અહત્વ–મમત્વ આવે છે, અને અહં, મમ આવે એટલે અધ્યાત્મ ન જ આવે. અહં એટલે હુંપણાની સતત બુદ્ધિ ને મમકાર એટલે ઔદયિક ભાવોની પ્રાપ્તિમાં મમત્વ – કુટુંબ, વેપાર, પૈસા, આદિમાં રાગભાવ.
નિશ્ચય અને વ્યવહાર સમયસારની બધી વાતોનાં રહસ્યો પૂ. ઉપાધ્યાયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનની ત્રીજી અને ચોથી ઢાળમાં બતાવ્યાં છે. આખો સમયસાર આ બે ઢાળમાં ઉકેલી આપ્યો છે. ગુજરાતી ભાષામાં નિશ્ચય અને વ્યવહારનું ખૂબ સુંદર અને સંતુલન (balance) પૂર્વક વર્ણન કર્યું છે. ગુજરાતી રચનામાં આવું અલૌકિક તત્ત્વ મળે છે પણ જોઈતું નથી માટે જ આનાથી વંચિત રહ્યા છો. નિર્ણય કરો કે દર છ મહિને જ્ઞાનનું એક ભૂષણ મારે વસાવવું છે. રોજની એક ગાથા કરો તો પણ છ મહિને આ સ્તવન કંઠસ્થ થઈ જાય. માર્ગની સૂઝ મળે અને આત્મકલ્યાણ થાય. મનને કેળવવા માટે અધ્યાત્મના વિકલ્પો બહુ ઉપયોગી બની શકે છે. મનને આવું કેળવવું તે જ અધ્યાત્મ છે.
સભા : પણ મન કાબૂમાં નથી રહેતું.
ઉત્તર : સારું, સ્વીકારી લીધું કે તમારું મન કાબૂમાં નથી, પણ વચન-કાયા કાબૂમાં છે ? બોલો ! જ્ઞાની કહે છે કે તું વચન-કાયાથી ડાહ્યો થઈ જા તો મન એની મેળે અંકુશમાં આવી જશે. જેવી રીતે ઘોડાની લગામ સવારના હાથમાં હોય તો ઘોડો કેવો દોડે ? લગામના માધ્યમથી ઘોડાને જે રીતે જે બાજુએ લઈ જવો હોય ત્યાં લઈ જઈ શકાય છે. બસ, આ જ રીતે વચન અને કાયાના નિયંત્રણના માધ્યમથી મનને સુધારી શકાય છે અને જે બાજુ વાળવું હોય તે બાજુ વાળી શકાય છે. આ વ્યવહારથી નિશ્ચય આવ્યો કહેવાય. અને મન જ સુધરી જાય તો વચન-કાયાનો સંચાલક સુધરી જતાં વચન-કાયા સુધરી જાય છે એ નિશ્ચયથી વ્યવહાર તરફ જવાનો રસ્તો છે. તમારી કક્ષા, રુચિ, સંયોગો, સર્વ પ્રમાણે તમારે બંને રસ્તા અપનાવવાના છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org