________________
૧૯૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સ્પર્શતો નથી એ ઊંચો ? કષાય ગમે તો ધર્માત્મા નહીં, કષાયનું નિમિત્ત આપીએ તો ધર્માત્મા નહીં. આપણને સાચું લાગે તે બોલવાનું નથી. સામાને ઠારવા એ ધર્મ છે. સામાને ઠારવા એ ઊંચો ધર્મ છે. સ્વયં કરવું એ ઊંચો ધર્મ છે.
આચારપાલન કરનારની આ જવાબદારી છે. જેનું સ્થાન ઊંચું એની જવાબદારી ઊંચી છે.
તમારો નોકર ચોરી કરે, તમે ચોરી કરો, અને હું સાધુ થઈને ચોરી કરું, કોઈ ફરક ખરો ? નોકર કરે તો ઠીક – એના કરતાં શેઠ કરે તો લોકો શું કહે ? શેઠ, તમે આટલાં સફેદ કપડાંમાં ચોરી કરી ? અને હું તમારો નેતા થઈને કરું તો વાત ખલાસ થાય છે.
ધર્માત્મા કોને કહેવા ? એનો જવાબ એક તત્ત્વચિંતકે સુંદર આપેલો. “તમને કેટલા વહાલા છે ? અને તમે કેટલાને વહાલા છો.' એ બેરોમીટરથી તમારું ધર્મીપણું માપી લેવું.
જગતમાં જે કાંઈ કરવાનું છે તેમાં આપણે કષાયથી બચવાનું છે. અને બીજાને કષાયથી બચાવવાના છે.
આખો સંસાર કષાયથી ભરપૂર છે. કષાયો વિષયોના આલંબને થાય છે, માટે જ્ઞાનીઓ વિષયાસક્તિ છોડવાનું કહે છે. વિષયો મૌલિક તત્ત્વ હોવા છતાં તેની સાથે આત્માનો સંબંધ તત્ત્વથી નથી. આત્માના રાગાદિ પર્યાયોનો આત્મા જોડે અભેદ વ્યવહારથી છે. નિશ્ચયથી ભેદ જ છે. એટલે આપણે તેનાથી મુક્ત થવાનું છે. વિષયો મૌલિક હોવાથી તેનું જગતમાં અસ્તિત્વ રહેવાનું છે, પણ આપણે એનાથી મુક્ત થઈ જવાનું છે.
જે કાંઈ કરવાનું છે તે આત્માને આત્મઘરમાં લઈ જવા માટે છે. આપણી ભૂલોના કારણે બીજો આત્મા કષાય કરે તો પણ આપણે વિરાધક બનીએ છીએ. કષાય ક્યાંય કરવાનો નથી, ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં કષાય કરવાનું લાયસન્સ આપણને મળતું નથી. જેને કષાય ગમે તે જૈનશાસનની શ્રદ્ધાથી દૂર છે.
તમને ખરેખર ક્રોધ, અરુચી, દ્વેષ, વૈર વગેરે ન ગમતા હોય, તમે ક્રોધ કરતાં ન હો અને બીજાને નિમિત્ત આપતા ન હો તો તમે સજ્જન છો.
જો તમે સજ્જન હો તો જગતના પદાર્થોનો આટલો બધો લોભ કઈ રીતે હોઈ શકે ? ક્રોધ ન ગમે તે સજ્જન અને લોભ ન ગમે તે મહાસર્જન કહેવાય.
જ્યાં સુધી પદાર્થો પ્રત્યે ઇચ્છાઓ બનેલી રહેશે ત્યાં સુધી કષાય રહિત બની શકાશે નહીં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org