________________
વ્યવહાર અને નિશ્ચય સંપ્રદાય
આચાર્ય હરિભદ્રસૂરિ મ.સા. શાસ્ત્રયોગનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. શાસ્ત્રયોગી જ્યારથી ચારિત્ર સ્વીકારે ત્યારથી અપ્રમત્તભાવને સ્વીકારે છે. અને નિરતિચાર ચારિત્ર પાળે છે. સ્વરૂપને પામવાની તાલાવેલી તીવ્ર હોવાના કારણે આત્મસાધનાને કેન્દ્રસ્થાને રાખીને જીવનારા હોય છે. તેમને આત્મામાં જ આનંદ સમજાય છે. સંસારમાં દુઃખ સિવાય કાંઈ જ નથી. મનુષ્યભવમાં, સર્વ કર્મનો અંત કરી શકાય છે. અહીં જેટલો પુરુષાર્થ રત્નત્રયી માટે ફોરવીએ તેનો લાભ ઘણો છે. અહીં પ્રમાદ કરવો પાલવે તેમ નથી. ચૌદ પૂર્વ ભણીને ઉપશમશ્રેણી પર વીતરાગતાનો આસ્વાદ કરીને આવેલા જીવો પણ જો પ્રમાદને વશ થાય છે તો પાછા નિગોદમાં ફેંકાઈ જાય છે. આવા અનંતા આત્માઓ આજે પણ નિગોદમાં છે. પ્રમાદનું નુકસાન આટલું ભયંકર છે એમ સમજી તમે પણ પ્રમાદને ટાળો. પ્રમાદને ટાળવા માટે એના સ્વરૂપને યથાર્થ સમજવું પડશે. જ્ઞાનીએ બતાવેલા આચારમાં સ્થિરતા કરવી એ વ્યવહારથી અપ્રમાદ છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પૌષધ, સેવા, દાન, શીલ, તપ, ભાવ આ બધું વ્યવહારથી અપ્રમાદ છે. આત્માને કષાયથી બચાવેલો રાખવો, સતત ઉપશમભાવમાં રહેવું એ નિશ્ચયથી અપ્રમાદ છે. સ્વરૂપની. બહાર જવું એ જ પ્રમાદ છે.
સ્વરૂપમાં રહેવું, સ્વરૂપમાં જ રમણતા કરવી એ જ અપ્રમાદ છે.
જીવમાત્રને કષાય, પ્રમાદ વળગેલા છે અપ્રમાદી જીવ ઘણું કરીને સ્વરૂપમાં જ રહે છે. અસત વિકલ્પોથી આત્માને એકદમ બચાવી લે છે અને સાધક વિકલ્પોથી આત્માની સાધના પુષ્ટ કરે છે. આ આત્માને બાધક વિકલ્પો પરેશાન કરી શકતા નથી. શાસ્ત્રયોગી જેવો સાધક બીજો જગતમાં જોવા ન મળે. એના જીવનમાં સાધનાવિરુદ્ધ વાત ન હોય, સાધના સિવાય બીજી વાત નહિ, કોઈ પ્રમાદ નહીં, કોઈ વિકલ્પ નહીં. આ સાધક અવસ્થામાં અણીશુદ્ધ પાર ઊતરીએ ત્યારે મોક્ષ મળશે. ભોગોની રુચિ, ભોગોની આસક્તિ, ભોગોનો સંગ્રહ આ બધી સાધનાવિરુદ્ધ વાત છે. ઊંચી સાધકતામાં આ બધું ન સંભવે. વળી સાધકને જાતિ, વર્ણ, કુળ વગેરેનું અભિમાન પણ ન હોય.
સાધક હંમેશાં અહંકારથી મુક્ત હોય છે. સાધક અવશ્ય સજ્જન હોય છે. સાધના, કષાયથી અને અશુભ વિકલ્પોથી બચવા માટે છે. જે નિમિત્ત પામીને જીવ ઉપશમભાવ તરફ જાય, ઉપશમભાવમાં ઠરે તે પરમાર્થથી સત્ય છે. સાધક સંપ્રદાયમાં રહે છે. સાધના ઘરમાં થાય નહીં, ઘરમાં સાધના કરવી મુશ્કેલ છે. સાધના તો તપ, ત્યાગ ને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org