________________
દ્રવ્યદાન તથા ભાવદાન
૧૦૧
તો ભોગનો ક્ષણિક આનંદ ત્યારે જ પૂરો થઈ જાત અને આપી દીધા પછી એના એકશન-રીએક્ષન રૂપે બાળકનો ચહેરો, તેનો આનંદ તો જ્યારે યાદ આવશે ત્યારે સાત્વિક આનંદની અનુભૂતિ થશે, આમ ભોગનો આનંદ ક્ષણિક છે, તુચ્છ છે, ત્યાગનો આનંદ અસીમ છે. આપણા કરતાં તિર્યંચો સારા – જેમને પૈસા કમાવાનું નહીં, રાંધવાનું નહીં, કામ કરવાનું નહીં અને પોતાનું પેટ ભરી શકે છે. મનુષ્યને તો મનની ઘણી ચિંતા અને શરીરના ઘણા શ્રમ પછી ભૌતિક સુખો મળી શકે છે. કેટલી મજૂરી કર્યા પછી, કેટલાય આરંભ - સમારંભનાં પાપો કર્યા પછી ખાવા – પીવા પહેરવા - ઓઢવા મળે છે. અને વળી આ પૌગલિક સુખ ભોગવતાં ઘટતું જાય છે. અર્થશાસ્ત્રમાં આને તુષ્ટીગુણ The law of diminishing returns. કહેવાય છે. એની ઉપયોગિતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. ભૂખ લાગી હોય ત્યારે પહેલી રોટલી ખાતાં ખૂબ આનંદ આવે. છઠ્ઠી રોટલી ખાતાં તો 0 થઈ જાય અને પરાણે આગળ વધુ રોટલી ખાવી પડે તો એની ઉપયોગિતા શૂન્યથી નીચે જઈને હેરાન કરનારી બને છે. minus utility મળે છે.
વળી આ પૌગલિક સુખો ભોગવતાં ઇન્દ્રિયો, શરીર અને મન થાકે છે. જે ઘટતું હોય અને અંતે થાકમાં પરિણામ પામતું હોય તેને સુખ કેમ કહેવાય ? તે સુખ વાસ્તવિક કહેવાય કે જે વધતું હોય, વર્ધમાન હોય, ક્રમસર વધતું જ જાય અને અંતે પૂર્ણતામાં લય પામે. જે પરાકાષ્ઠાનો આનંદ પ્રાપ્ત કરાવતું હોય અને ત્યાં આનંદ સિવાય કઈ હોય નહીં તે જ વાસ્તવિક સુખ છે. મૂઢ અને ગમારને જ આ જગતમાં સુખ દેખાય છે. જેને ઝેર ચહ્યું હોય તેને લીંબડો ખવરાવવામાં આવે છે. આ લીંબડો જ્યાં સુધી મીઠો લાગે ત્યાં સુધી ઝેર ચઢેલું છે એમ સમજવું. આ જગતમાં જેને ભૂત વળગેલું હોય તેને મારો તો પણ વાગે નહિ. જ્યાં સુધી સંસારમાં સુખ લાગે ત્યાં સુધી મોહનું ભૂત વળગેલું છે એમ માનવું. મોહનું ઝેર જેને ઊતરે તે હવે ધર્મ પામવાને લાયક બને છે. ઝેર ઊતરી જાય એટલે બધા સાધુ જ બની જાય તેવું નથી. ક્રમિક વિકાસ નીચે પ્રમાણે થાય છે.
માનવ, સજ્જન, સમકિતી, શ્રાવક, સાધુ ઉત્તરોત્તર વિકાસના આ પગથિયાં ચડવાનાં હોય છે. સાધુ મોક્ષ પામવા માટે નીકળેલો છે. મોક્ષમાં મન, વચન, કાયા નથી. ત્યાં વિચાર - વાણી - વર્તન નથી. મોક્ષમાં આત્મા સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબેલો છે.
જેમ નિદ્રામાં મન શાંત છે, વચનયોગ બંધ છે, કાયયોગ ઈદ્રિયોના વિષયો રૂપી વિષમાંથી પાછો ફરેલો છે. નિદ્રામાં બધી બાહ્યપ્રવૃત્તિ અટકી ગઈ છે. પરંતુ નિદ્રામાં એક ખામી છે. નિદ્રામાં ઉપયોગ સ્વરૂપમાં ભળતો નથી કારણ કે ઘાતી કર્મો આડાં આવેલાં છે. નિદ્રા સારી કે ખરાબ ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org