________________
४०
અમૃત-સમીપે
રીતે સફળ કરી બતાવી; આ પરિષદે વીરચંદભાઈના જીવનમાર્ગને જ જાણે બદલી નાખ્યો. ધર્મનું પાલન અને ધર્મનો પ્રસાર એ એમનું જીવનકાર્ય બની ગયું; એની પાછળ એ ઊંઘ અને આરામ વીસરી ગયા.
આ સર્વધર્મપરિષદમાં શ્રી વીરચંદભાઈએ જૈનધર્મની સચોટ રજૂઆત તો કરી જ, પણ જરૂર લાગતાં હિંદુધર્મ કે ભારતના કોઈ પણ ધર્મ ઉપરના આક્ષેપો દૂર ક૨વા એમણે પ્રયત્ન કર્યો હતો. આના લીધે એમની બહુશ્રુતતા અને ઉદારતાની ઊંડી છાપ પરિષદ ઉપર પડી હતી, અને અમેરિકામાં એમને સારા પ્રમાણમાં લોકપ્રિયતા સાંપડી હતી.
પરિષદ પૂરી થયા પછી એક-દોઢ વર્ષ સુધી પરદેશમાં જૈન ધર્મ, દર્શન, યોગ, ભારતીય સંસ્કૃતિ વગેરે વિષયોનાં સેંકડો પ્રવચનો આપ્યાં હતાં. સને ૧૮૯૫માં તેઓ પાછા આવ્યા, અને જૈનધર્મના વિશેષ અધ્યયન માટે તેમ જ જૈનધર્મ અંગે લોકોની જિજ્ઞાસા સંતોષવા માટે મુંબઈમાં ‘શ્રી હેમચંદ્રાચાર્ય અભ્યાસવર્ગ'ની સ્થાપના કરી; બીજી પણ સંખ્યાબંધ પ્રવૃત્તિઓ હાથ ધરી.
સને ૧૮૯૬માં એમની વિદ્વત્તા અને આકર્ષક વ્યાખ્યાનશૈલી એમને ફરી વાર અમેરિકા લઈ ગઈ. એમની પ્રેરણાથી ભોગભૂમિ અમેરિકામાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમનું ભારતીય તત્ત્વજ્ઞાન સમજવા માટે ‘સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ ફિલોસોફી' અને ‘ગાંધી ફિલોસોફિકલ સોસાયટી' નામની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. અમેરિકાથી પાછા ફરતાં એમણે ઇંગ્લંડ, ફ્રાન્સ અને જર્મનીમાં સંખ્યાબંધ ભાષણો આપ્યાં. તેઓ હજી પણ પરદેશમાં રહીને વધુ ધર્મપ્રચાર કરવા ઇચ્છતા હતા. પણ એવામાં શત્રુંજયતીર્થ સંબંધી અપીલ ઇંગ્લેંડના ભારતમંત્રી (સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર ઇન્ડિયા) સમક્ષ ૨જૂ ક૨વાની જરૂ૨ ઊભી થઈ, અને એની પૂર્વતૈયારી માટે શ્રી વીરચંદભાઈની દેશમાં જરૂર પડી; બૅરિસ્ટરીની પરીક્ષા પસાર કરી સને ૧૮૯૮માં તેઓ દેશમાં પાછા આવ્યા.
પોતાના વ્યાપક અને ઊંડા અધ્યયનના પરિપાકરૂપે શ્રી વીરચંદભાઈએ ‘જૈન ફિલોસોફી’, ‘યોગ ફિલોસોફી' જેવા ગ્રંથો અંગ્રેજીમાં લખ્યા અને બીજા પણ સંખ્યાબંધ લેખો લખ્યા. તેઓ ચૌદ ભાષાઓ જાણતા હતા!
જેમ શ્રી વીરચંદભાઈને ધર્મસેવાનો રંગ લાગેલો હતો, તેમ સમાજસેવાનો રંગ પણ એમને એટલો ઘેરો લાગેલો હતો. સને ૧૮૯૭માં હિંદુસ્તાનમાં દુકાળ પડ્યો, ત્યારે શ્રી વીરચંદભાઈ અમેરિકામાં હતા. એમનાથી આવી ધર્મપ૨ીક્ષાવેળાએ ચૂપ કેમ બેસી રહેવાય ? તરત જ એમણે અમેરિકામાં એક રાહતસમિતિની રચના કરી, અને પોતાની લોકપ્રિયતાને બળે આ સમિતિ દ્વારા સાન્ફ્રાન્સિસ્કો શહે૨માંથી મકાઈની એક સ્ટીમર અને ચાલીસ હજાર રૂપિયા દેશમાં મોકલી આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org