________________
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
રાજસ્થાનના બાડમેર જીલ્લાના મેવાનગરમાં પરમદર્શનીય મનમોહક શ્રી નાકોડાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને ભવ્ય તીર્થધામ આવેલું છે. અહી શ્રી નાકોડાજી પાર્શ્વનાથજીના જિનાલયમાં પ્રભુની શ્યામરંગી પદ્માસનસ્થ, સંપ્રફણાથી અલંકૃત, દિવ્યતાના તેજ પ્રસરાવતી પ્રતિમાજી છે.
આ પ્રતિમાજીની ઉંચાઈ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૮ ઈંચની છે. શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના તીર્થમાં ત્રીજી દેરીમાં શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય, અંતરમાં ભક્તિના ભાવ જગાડે, પ્રતિમાજી નિહાળતાં જ મનડું નાચી ઉઠે તેવા પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ત્રીજી દેરીમાં બિરાજમાન શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઉંચાઈ૩૧ ઈંચની છે.
શ્રી નાકોડા પાર્શ્વનાથ તીર્થધામનો ઈતિહાસ પ્રાચીન અને સમૃધ્ધ છે. આજનું મેવાનગર તે સમયે વીરમગઢ તરીકે ઓળખાતું હતું. વિ. સંવત પૂર્વે ત્રીજા સૈકામાં આ નગરની સમૃધ્ધિ અપાર હતી. જોકે આજે અહીં તીર્થધામ સિવાય કશું નથી.
ઈતિહાસના કથન અનુસાર એક મહારાજાને વીરમદત્ત અને નાકોરસેન નામના બે રાજપુત્રો હતા. પ્રાતઃ કાળનો સમય હતો.
અંશુમાલિએ પૃથ્વીપર પર પોતાનું વર્ચસ્વ બરાબર જમાવ્યું નહોતું પરંતુ આછા કિરણો દ્વારા પોતાના આગમનની છડી પોકારી રહ્યાં હતા. ધરતી પણ જાયે સૂરજના સોનેરી કિરણોને બાહુપાશમાં ઝકડી લેવા થનગની રહી હોય તેવું લાગતું હતું. સર્વત્ર પ્રસન્નતાનું વાતાવરણ ઉભું થયું હતું.
ત્યારે પંખીઓનું નિર્ભયતાભર્યું પ્રાતઃગાન વાતાવરણની પ્રસન્નતામાં ઉમેરો કરી રહ્યુ હતું. નિરભ્રમાં મુક્તપણે વિહરતા પક્ષીઓનો કિલ્લોલ આનંદ પમાડે તેવો હતો. પશુઓ પણ ઉગતા રવિને અભિનંદી રહ્યાં હતા.
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૨૯