________________
શ્રી ભાભાજી પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના જામનગર શહેરના ચોકમાં શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુજીનું પ્રાચીન જિનાલય આવેલું છે. જેને ચોરીવાળું દેરાસર પણ કહેવાય છે.
જામનગરમાં આવેલા જિનાલયો સર્વશ્રેષ્ઠ કલાકારીગીરીથી સમૃધ્ધ છે. જામનગરમાં ૧૬થી વધારે જિનાલયો છે. અહીં જૈનોની પ્રમાણમાં સારી એવી વસ્તી છે. Eી જામનગર જીલ્લાના ગામડાઓમાં પણ ભવ્ય જિનપ્રસાદો છે. શ્રી ભાભા પાર્શ્વનાથનાં જિનાલયો અમદાવાદ તથા પાટણના ભાભાના પાડામાં છે.
( શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ૨૦મી દેરીમાં શ્રી ભાભાજી પાર્શ્વનાથ પ્રભુની અત્યંત દર્શનીય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. મુંબઈના પરા સાંતાક્રુઝમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની દેરીમાં શ્રી ભાભા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજિત છે.
જામનગરમાં શ્રી ભાભા પાર્શ્વનાથજીના જિનાલયમાં પ્રતિમાજી શ્યામવર્ણની, વેળુના, પદ્માસનસ્થ છે. પ્રતિમાજી ૪૭ ઈંચ ઊંચી અને ૪૦ ઇંચ પહોળી છે. આ પરમ વંદનીય પ્રતિમાજી સપ્તફણાથી સુશોભિત છે.
જામનગરના મોટા ભાગના જિનાલયોના નિર્માણમાં ભદ્રેશ્વરની અહીં આવીને વસેલા શ્રેષ્ઠીઓનું યોગદાન રહ્યું છે. જામનગરના જિનાલયોની કલાત્મક બાંધણી અદ્ભુત છે. ભદ્રેશ્વરથી શ્રી વર્ધમાન શાહ, પદ્મસિંહ રાઠોડ, તેજસી શેઠ, રાયસિંહ શેઠ વગેરે જામનગર આવીને વસ્યા અને જિનાલયોના નિર્માણમાં મહત્તમ યોગદાન આપ્યું છે.
- શ્રી ભાભા પાર્શ્વનાથનું જિનાલય ચોરીવાળા દેરાસર તરીકે ઓળખાય છે. સંવત ૧૬૭૮ના વૈશાખ સુદ-૮ ના રવિવારે અચલગચ્છીય આચાર્ય શ્રી કલ્યાણ સાગર સૂરિજીના ઉપદેશથી શ્રી સંઘે આ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી.
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૭૬