________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું આ જિનાલય અત્યંત મનોહર અને ભવ્ય છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓને બિરાજમાન કરવામાં આવેલ છે. શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત મનોહર અને અલૌકિક છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં ભક્તિના તરંગો ઉછળવા લાગે છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
પોરબંદરના જૈન સુશ્રાવક ચંદ્રવદનભાઈ શહેરની મધ્યમાં આવેલ જિનાલયમા નિયમિત શ્રી જિનેશ્વર ભગવંતની સેવા-પૂજા કરે. પોરબંદરમાં તેમને કરિયાણાની દુકાન હતી. વર્ષોથી આ વ્યવસાય હતો. તેમના પિતા પણ આજ દુકાનનો વહીવટ કરતાં હતા. પણ છેલ્લા પાંચેક વર્ષથી તેમનો વેપાર ઘટવા લાગ્યો હતો આથી તેમને ચિંતા સતાવ્યા કરતી હતી.
પોરબંદરમાં કરિયાણાની અદ્યતન દુકાનો થવાથી તેમના વર્ષો જૂના ગ્રાહકો તે તરફ વળ્યા. અદ્યતન દુકાનોમાં દરેક વસ્તુના તૈયાર પેકીંગ મળતા આથી સમયનો બગાડ થતો નહિ, એટલું જ નહિ વારામાં ઊભું રહેવું પડતું નહિ. જાતે જ જે પ્રકારનું પેકીંગ જોઈતું હોય તે લઈ લેવાનું રહેતું.
બીજું પોતે હવે જૂનવાણી રહ્યાં નથી એવું કહેવડાવવા આવી અદ્યતન દુકાનોમાં જતા હતા.
ચંદ્રવદનભાઈનો એકનો એક પુત્ર બી.કોમ ભણીને પિતાની દુકાનમાં બેસવા લાગ્યો હતો. તેપણ નિરાશ થઈ ગયો હતો. કારણકે ધંધો જોઈએ તેવો ચાલતો નહોતો.
ચંદ્રવદનભાઈ અને તેમની પત્ની રાધાબેનને પુત્રના વિવાહ માટેની પણ ચિંતા હતા.
ચંદ્રવદનભાઈ કહેતા: ‘રાધા, એક બાજુ દુકાનનો ધંધો ઠપ્પ થતો જાય છે અને માથે પુત્રના વિવાહની ચિંતા છે. શું કરવું કોઈ રસ્તો સુઝતો નથી.”
7 શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૫૧