________________
શ્રી વાડી પાર્શ્વનાથ અણહિલપુર પાટણ એ કાળમાં ગુજરાતનું પાટનગર હતું. પાટણ માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ અને ગુજરાતનું જ આકર્ષણ નહોતું, માત્ર પશ્ચિમ ભારતનું જ આકર્ષણ નહોતું, પરંતુ સમગ્ર ભારત વર્ષના સમૃદ્ધ ગણાતા નગરોમાંનું એક
હતું.
કલા, સંસ્કાર, સંપત્તિ, સાહિત્ય, ઉદ્યોગ, વેપાર અને વાણિજયમાં અણહિલપુર પાટણ પોતાનું અનોખું વ્યક્તિતત્ત્વ રજૂ કરતું હતું. સંવત ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણની પ્રતિષ્ઠા કરી હતી. અને ત્રેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા પધરાવીને જૈન ધર્મની જાહોજલાલીનો, ત્યાગ માર્ગની એક મહાન શાખાનો તથા શ્રમણ સંસ્કૃનિા વિશ્વકલ્યાણમય આદર્શનો વિજયધ્વજ રોપ્યો હતો.
મહામંડલેશ્વર ત્રિભુવનપાળના સમયમાં પાટણની જાહોજલાલી અપૂર્વ હતી. નગરીમાં બાવન જેટલી બજારો હતી. એંસી ચૌટા ચોક હતા. સરસ્વતીના કિનારે ઊભા થયેલા ભવ્ય પ્રાસાદો વડે પાટણનગરી ઈંદ્રપુરી સમી લાગતી હતી.
એ સમયે જૈનો અને બ્રાહ્મણોનું ખૂબજ વર્ચસ્વ હતું. લગભગ ત્રણસોને એક્યાસી જૈન મંદિરો હતા અને ત્રેપન નાના મોટા શિવાલયો હતા. ત્રણસો એક્યાસી જિનાલયોમાં પંચાસરા પાર્શ્વનાથ, શામળાજી પાર્શ્વનાથ, નેમનાથ ભગવાનના મંદિરો કલા અને કારીગીરીમાં અજોડ લેખાતા હતા.
પાટણ નગરી લગભગ છથી સાત કોશ લાંબી હતી. પાટણના રાજસિંહાસને મહારાજા કુમારપાળ, મહારાજા સિધ્ધરાજ જયસિંહ બિરાજમાન થયા હતા. પાટણ નગરીમાં શ્રી હેમચંદ્રાચાર્ય અનેક જૈન ગ્રંથની રચના કરી હતી.
આજે તો પાટણમાં લગભગ ૨૦૦ જિનાલયો છે. પાટણ શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહસિકતા માટે પ્રખ્યાત છે. જૈન સાહિત્ય, કલા અને સંસ્કૃતિના અખૂટ ભંડાર જેવા આ શહેર માંથી સેંકડો વીર પુરુષો, આચાર્યો, શ્રેષ્ઠીઓ, શ્રાવકો એ દુનિયાભરમાં પાટણને મશહુર કર્યું છે. આવી એક સમયની સમૃધ્ધ નગરી પાટણ મહેસાણા ૩૦ કિ.મી., સિધ્ધપુર ૧૯ કિ.મી. તથા ચારૂપ ૮ કિ.મી.ના અંતરે છે.
શ્રી વાડીજી પાર્શ્વનાથ