________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ પિશુન માણસ કરતાં કૂતરાને પણ ગુણવાળો કહેલ છે.
તુચ્છ બુદ્ધિ ચાડીયો માનવ અવસ્થાથી ઉપજતી દુઃસ્થિતિને પામે છે.
૧૧. પરોપકાર ગુણ
ઉપકારના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય ઉપકાર (૨) ભાવ ઉપકાર
ખાનપાન વગેરે આપીને બીજાઓને સહાય કરવી તે દ્રવ્ય ઉપકાર.
દુઃખથી પીડા પામતા પ્રાણીઓનાં ઉપર ઉપકાર કરીને જ્ઞાન આપવું. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવવી અને સચ્ચારિત્ર શીખવવું એનું નામ ભાવ ઉપકાર ગણાય છે.
જે લોકો સામાન્ય બુદ્ધિનાં-તુચ્છ પ્રકૃતિનાં અને પોતાના કલ્યાણ તરફ લક્ષ્ય વગરના હોય છે તેઓ ઉપકારને પણ કરી શકતા નથી.
મનુષ્ય જો સદા નિર્મળ યશને ચાહતો હોય તો અને નિર્વાણના સુખની વાંછા રાખતો હોય તો તેણે પરોપકારની પ્રવૃત્તિ તરફ જ પોતાની મતિને રાખવી તેનાથી વિમુખ ન થવા દેવી.
૧૨. વિનય ગુણ
જે માનવમાં ઉપર જણાવેલા બધાય ગુણો હોય પણ એક વિનય ગુણ ન હોય તો તે ભવ સાગરને તરવા સમર્થ થતો નથી.
જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે ભેદ છે.
(૧) દ્રવ્ય વિનય (૨) ભાવ વિનય.
દ્રવ્યને માટે રાજ રાજેશ્વર વગેરેની સેવા કરવી તે દ્રવ્ય વિનય.