________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૪૧
અંતરમાં પેદા ન થાય પણ સંતોષ પેદા થાય તે ઉંડે ઉંડે પ્રમોદ ભાવના કહેવાય છે. આ પ્રમોદ ભાવનાનું પહેલું લક્ષણ કહેવાય છે, કે જે પોતાના જેટલી સામગ્રી અથવા પોતાનાથી અધિક સામગ્રી બીજા કોઇને પ્રાપ્ત થાય તો અસંતોષ થવાને બદલે સંતોષનો આનંદ થાય. સારું થયું કે એ સુખી થયો એવી વિચારણા થયા કરવી એ પણ આંશિક મિથ્યાત્વની મંદતાનું લક્ષણ છે કારણકે વિષયોના સુખને ઓળખતો હોય છે. એ સામગ્રી કેવા પ્રકારની છે એ જાણતો હોય છે માટે અધિક મેળવવાની કે એ જેને સામગ્રી મળેલી છે એના વખાણ કરવાની કે ઇર્ષ્યા કરવાની ભાવના થતી નથી અને પોતાને જે મળ્યું છે એમાં સંતોષથી જીવાય છે. (૨) સહેતુ મુદિતા ભાવ:
સારા હેતુભૂત સુખમાં સંતુષ્ટ વૃત્તિ. જેમ કે આ ભવમાં સુખ થાય તેવી રીતે, મિત = અલ્પ આહારાદિપણાથી શરીર સ્વસ્થ થાય એ રીતે થતાં ઐહિક સુખમાં આનંદ માનવો તે. જે જે પ્રવૃત્તિ કરતાં કરતાં પુણ્યના ઉદયથી જે કાંઇ સુખ મલતું હોય તે પ્રવૃત્તિમાં સંતોષ હોય ખાવા-પીવા-પહેરવા-ઓઢવા આદિ મલ્યા કરે છે માટે આથી વધારે પ્રવૃત્તિ હવે કરવી નથી આટલું મલે છે એમાં સંતોષ થાય અને સાથે સાથે જેમ ઓછો આહાર વાપરીએ અને પરિમિત આહાર વાપરીએ તો એનાથી શરીર સારું રહે અધિક ખાવા પીવાની ઇચ્છા ન થાય તે મિતાહાર કહેવાય છે. આ રીતે જીવન જીવતાં જીવતાં આનંદ માનવો તે પણ એક પ્રકારનો પ્રમોદ કહેવાય છે કે જેથી આ લોકના પદાર્થોમાં સંતોષવૃત્તિ વાળું જીવન કહેવાય છે. કોઇની પણ અધિક સામગ્રી જોઇને કે કોઇને અધિક ખાતા પીતા વગેરે જોઇને અંતરમાં એને વિચાર ન થાય કે હું પણ આ રીતે મેળવું અને ખાન પાન લાવીને ખાઉં એવી ભાવના ન થાય તે આ પ્રમોદ ભાવનાનું બીજું લક્ષણ કહેવાય છે.