________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૧૩ અમીદ્રષ્ટિ હતી. સમરવિજય ગમે તેવો તોય રાજાનો ભાઈ છે અને રાજા પોતાની સુજનતાથી સમરવિજયને સુધારવા ઇચ્છે છે-એવો વિચાર કરીને પણ લોકો શાન્ત રહે અને રાજાના સુજનપણાની પ્રશંસા કરે એ બનવાજોગ છે. આજે રાજા અને પ્રજા બન્નેની દ્રષ્ટિમાં કારમું પરિવર્તન આવ્યું છે એટલે આવો પ્રશ્ન ઉઠે એ સહજ છે, પણ પૂર્વકાલની સ્થિતિ જ જૂદી હતી. પૂર્વકાળમાં રાજા પ્રજાવાત્સલ્યને ચૂકતો નહિ અને પ્રજા રાજભક્તિને ચૂકતી નહિ. એક-બીજાની ભૂલ થઈ જાય તોય તેને ખમી ખાવી અને ભિવષ્યમાં ભૂલ કરવાનો વિચાર પણ ન થાય એવો પ્રયત્ન કરવો, એવી વૃત્તિ પૂર્વકાળમાં જીવન્ત હતી. આજે તો રાજા ભૂલ કરે અને પ્રજા વાતને વધારી મૂકીને ય નિર્દે-એવું એવું તો ઘણું બને છે. જ્યાં પોતાના કર્તવ્યનો વિચાર ન હોય અને સામાની સામાન્ય પણ કર્તવ્યચૂકને ખમી ખાવાની વાત ન હોય, ત્યાં અનેકવિધ અનર્થો ઉત્પન્ન થયા વિના રહે જ નહિ અને એ વાતનો આજે માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ પણ લગભગ બધાં ક્ષેત્રોમાં સાક્ષાત્કાર થઈ જ રહ્યો છે. વૈરાગ્યની ભરતી :
હવે જે વખતે ચંપાનગરીમાં આવો લોકવાદ પ્રસરી રહ્યો છે, અને સમરવિજય ઉપરાઉપરી દુષ્ટતા દાખવી રહ્યો છે, તે દરમ્યાનમાં શ્રી કીર્તિચન્દ્ર રાજાનો વિરાગભાવ ખૂબ ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. શાણાઓને માટે આવા પ્રસંગો વૈરાગ્યને પમાડનારા અને પ્રાપ્ત વૈરાગ્યને પુષ્ટ બનાવનારા નિવડે એ સહજ છે. કારણ કે આવા પ્રસંગો કષાયોનું કાળુષ્ય એ કેટલું ભયંકર છે એ વિગેરે બાબતોના વિચારોને જન્માવનારા બને છે. ક્રોધ, માન, માયા અને લોભને વશવર્તી બનેલો સમરવિજય જે રીતિએ વર્તી રહ્યો છે, તે જોતાં વિષયવિરાગ અને કષાયત્યાગ પ્રત્યે ઉત્તમ આત્માઓએ આકર્ષાવું એ બનવાજોગ જ છે. વિવેકિઓ અને અવિવેકિઓ વચ્ચે એ પણ ભેદ રહે છે કે-એકના એક પ્રસંગને અંગે વિવેકિઓ કલ્યાણકારી વિચાર આદિ કરનારા બને છે અને અવિવેકિઓ અકલ્યાણકારી વિચાર