________________
૩૨૨
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
દેશાન્તર-ગમન :
માતા-પિતાએ તો, દ્રવ્યોપાર્જન માટે દેશાત્તર જવાની મનાઇ કરી, પણ સાગર અને કુરંગે પોતાની હઠ છોડી નહિ. તેઓ લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પોતાના મિત્રોથી પ્રેરાએલા હતા. એ મિત્રોએ એ બન્નેય ઉપર એવું સ્વામિત્વ પ્રાપ્ત કરેલું હતું, કે જેથી તેઓ ઉપકારી માતાપિતાની અવગણના કરીને પણ પોતાના મિત્રોની પ્રેરણાને જ માન આપે. આથી તેઓ માતા-પિતાની આજ્ઞાની ઉપરવટ થઈને, દ્રવ્યોપાર્જન કરવાને માટે, વેચવાનો માલ સાથે લઈને દેશાન્તર તરફ રવાના થયા. લોભ આદિ સહવાસ છોડે તેમ નથીઃ
સાગર અને કુરંગે તો લોભ અને પરિગ્રહાભિલાષને મિત્રો તરીકે સ્વીકારેલ છે, પણ શું ખરેખર તેઓ મિત્રો જ છે ? લોભ અને પરિગ્રહાભિલાષ, એ શું એની મૈત્રી કરનારના મિત્ર બની રહે એવા છે? જો માત્ર સહવાસને જ મૈત્રી કહેવામાં આવે, તો તો લોભ અને પરિગ્રહાભિલાષ મિત્ર ઠરે તેમ છે : કારણ કે-તમે જો લોભ અને પરિગ્રહાભિલાષની સાથે મૈત્રી બાંધો અને તેની પ્રેરણાએ ચાલ્યા કરો, તો એ તમારે કેડો છોડે તેમ નથી. તમે છોડવા મથો અને એ છૂટે-એ વાત જૂદી છે, બાકી એ તો શાશ્વત કાળના સહવાસી બને એવા છે ! વિચારવાનું એ જ છે કે-આવા સહવાસી મિત્રો મળે, એમાં આપણને લાભ કે હાનિ?
સ. હાનિ.
તદન સાચી વાત, પણ લોભ અને પરિગ્રહાભિલાષ એ મિત્ર રૂપ નથી પરતુ દુશ્મન રૂપ છે, એમ હૃદયપૂર્વક માનનારા કેટલા? અને એમ માનીને દુશ્મન રૂપ લોભ અને પરિગ્રહાભિલાષના સંસર્ગથી બચવાનો પ્રયત્ન કર્યા કરનારા કેટલા? તમને લોભ અને પરિગ્રહાભિલાષનો સંસર્ગ ખટકે છે કે તમે એને વહાલથી બોલાવો છો, એ વાત બરાબર વિચારી લેવા જેવી છે.